10/03/2026
સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ભિલાડ ખાતે ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની ઉજવણી
ભિલાડ:
સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ભિલાડના ‘ઈક્વલ ઓપોર્ચ્યુનિટી સેલ’ દ્વારા ‘ઈન્ટરનલ ક્વોલિટી એશ્યોરન્સ સેલ’ (IQAC) ના માર્ગદર્શન હેઠળ ૧૦મી માર્ચના રોજ ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNO) દ્વારા જાહેર કરાયેલા 'આંતરરાષ્ટ્રીય મહિલા કિસાન વર્ષ' ને ધ્યાનમાં રાખીને આ વર્ષે મહિલા ખેડૂતોના સન્માન અને મહિલા સશક્તિકરણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં પ્રસ્તાવના દ્વારા મહિલા દિવસનું મહત્વ અને કૃષિ ક્ષેત્રે મહિલાઓના અતુલ્ય ફાળા વિશે માહિતી આપવામાં આવી હતી. કોલેજના આચાર્ય શ્રી કે. એ. ભોયેએ અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગ્રામીણ અર્થવ્યવસ્થા અને ખાદ્ય સુરક્ષાના ક્ષેત્રે મહિલાઓનો ફાળો સર્વોપરી છે. તેમણે વિદ્યાર્થીઓને સમાજના દરેક સ્તરે સ્ત્રી-પુરુષ સમાનતા જાળવવા અને મહિલાઓને પ્રોત્સાહિત કરવા આહવાન કર્યું હતું.
ડૉ. પિયુષ પટેલે મહિલા ખેડૂતોની નિષ્ઠા અને તેમના જીવનના પડકારો વિશે વાત કરી વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી. ડૉ. નીલમ સેને સમાજમાં મહિલાઓની વર્તમાન સ્થિતિ અને સશક્તિકરણના વિવિધ પાસાઓ વિશે ચર્ચા કરી હતી. સમગ્ર કાર્યક્રમનું કુશળ સંચાલન ડૉ. ધર્મરાજ ટેંભરે દ્વારા કરવામાં આવ્યું હતું.
ડૉ. સુનીલ જાદવે ઉપસ્થિત તમામ વક્તાઓ, ૧૨૦ જેટલા વિદ્યાર્થીઓ અને સ્ટાફગણનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં મહિલા સશક્તિકરણ અને સમાનતા પ્રત્યે સકારાત્મક અભિગમ કેળવાયો હતો.
02/03/2026
સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, ભીલાડ દ્વારા ‘વિદ્યાર્થી અભ્યાસ સહ એક્સપોઝર ટૂર’ નું સફળ આયોજન
-----------------------------------------------------------
ભીલાડ | ૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૬
સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, ભીલાડ દ્વારા તાજેતરમાં ૨૭/૦૨/૨૦૨૬ ના રોજ એક દિવસીય ‘વિદ્યાર્થી અભ્યાસ સહ એક્સપોઝર ટૂર’ (Student Study cm Exposure Tour) નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ શૈક્ષણિક પ્રવાસમાં કુલ ૪૬ વિદ્યાર્થીઓ અને ૧૦ શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કોલેજના આચાર્ય ડૉ. કે. એ. ભોયે ના સક્ષમ માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ પ્રવાસમાં વિદ્યાર્થીઓએ દક્ષિણ ગુજરાતના વિવિધ પ્રાકૃતિક અને શૈક્ષણિક સ્થળોની મુલાકાત લીધી હતી. પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓએ ઉનાઈ સ્થિત કુદરતી ગરમ પાણીના ઝરા, પદમડુંગરીનું કુદરતી સૌંદર્ય અને વઘઈ બોટનિકલ ગાર્ડનની મુલાકાત લઈ વનસ્પતિશાસ્ત્ર અને ભૂસ્તરશાસ્ત્ર અંગે પ્રત્યક્ષ જ્ઞાન મેળવ્યું હતું. આ ઉપરાંત, ધરમપુર ખાતેના વિજ્ઞાન કેન્દ્ર (Science Centre) અને લેડી વિલ્સન મ્યુઝિયમની મુલાકાત દ્વારા વિદ્યાર્થીઓએ વિજ્ઞાનના વિવિધ સિદ્ધાંતો અને પ્રદેશના ઐતિહાસિક વારસાને નજીકથી જાણ્યો હતો.
આ શૈક્ષણિક પ્રવાસને સફળ બનાવવા માટે IQAC કો-ઓર્ડિનેટર ડૉ. ધર્મરાજ ટેંભરે અને તેમની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. ટીમમાં ડૉ. ભગીરથ પટેલ, પ્રોફેસર સ્વાતી પટેલ, વૈશાલી યાદવ, જ્યોતિબેન સપ્તા, શંકરભાઈ ટોકર્યા અને જીતુભાઈ ગાવડાએ વ્યવસ્થાપનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ પ્રકારના પ્રવાસો વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને વ્યવહારુ જ્ઞાન માટે અત્યંત ઉપયોગી સાબિત થાય છે તેમ આચાર્યશ્રીએ જણાવ્યું હતું.
15/02/2026
પ્રેસ રિપોર્ટ: ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ભીલાડના વિદ્યાર્થીઓએ TIMSR બિઝનેસ કોન્ક્લેવમાં વ્યવસાયના ભવિષ્યનો અનુભવ કર્યો
મુંબઈ, 14 ફેબ્રુઆરી, 2026 – ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ભીલાડના 49 વિદ્યાર્થીઓ અને 7 પ્રોફેસરોની એક ટીમે આજે ઠાકુર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ એન્ડ રિસર્ચ (TIMSR) દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત 'બિઝનેસ કોન્ક્લેવ'માં ભાગ લીધો હતો. આ કોન્ક્લેવનો વિષય "ગતિશીલ બિઝનેસ ઇકોસિસ્ટમ: ઇનોવેશન, રેઝિલિયન્સ અને રિસ્પોન્સિબિલિટી" હતો, જેણે વિદ્યાર્થીઓને કોર્પોરેટ જગતમાં આવી રહેલા પરિવર્તનોની ઊંડી સમજ આપી હતી.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે NTT ડેટા ઇન્ડિયાના અનુભવી વ્યૂહરચનાકાર અને નેસકોમ (NASSCOM) મેન્ટર શ્રી પ્રસનજીત રોય અને ગેસ્ટ ઓફ ઓનર તરીકે શ્રી અંશુલ અઝારે (મેનેજિંગ ડિરેક્ટર અને CEO, યસ સિક્યુરિટીઝ) ઉપસ્થિત રહ્યા હતા. દિવસનું મુખ્ય આકર્ષણ પેનલ ચર્ચા રહી હતી, જેમાં ઉદ્યોગ નિષ્ણાતો શ્રી આશિષ સિંહા, સુશ્રી શ્વેતા વોરા, શ્રી ઓગસ્ટિન ચાલિસેરી અને શ્રી ચિંતન મહેતાએ આધુનિક બિઝનેસમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને એનાલિટિક્સના ઉપયોગ વિશે ચર્ચા કરી હતી.
ભીલાડ કોલેજના વિદ્યાર્થીઓએ આ ઉદ્યોગ સાહસિકો સાથે સીધો સંવાદ સાધ્યો હતો અને પ્રોફેશનલ નેટવર્કિંગ તેમજ વૈશ્વિક બજારમાં આવતા ટેકનોલોજીકલ ફેરફારો વિશે જાણકારી મેળવી હતી. આ મુલાકાતનું સફળ સંચાલન IQAC કો-ઓર્ડિનેટર ડો. ધર્મરાજ ટેંભરે દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ડો. પીયૂષ પટેલ, ડો. સુનિલ જાધવ અને ડો. ભગીરથ પટેલનો સહયોગ પ્રાપ્ત થયો હતો. આ સમગ્ર પ્રવાસ ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ભીલાડના આચાર્ય ડો. કે. એ. ભોયે ના સક્ષમ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.
કાર્યક્રમના અંતે, અનિશ્ચિતતાના સમયમાં મક્કમતા અને જવાબદાર નેતૃત્વ કેવી રીતે સફળતા અપાવે છે તે બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો.
03/02/2026
*ભીલાડ કોલેજ ના વિદ્યાર્થીઓ 52માં રમતોત્સવમાં ઝળક્યા*
------------------------------
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ અને ભગવાન શ્રી બિરસા મુંડા 52મો એથ્લેટિક ખેલકૂદ રમોત્સવનું તારીખ 28 જાન્યુઆરી થી 31 જાન્યુઆરી 2026 સુધી સુરત આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના કુલ ૧૫ ખેલાડી ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો. જેમાં કોલેજની વિધાર્થીની માલકરી દામિનીએ બહેનોની ગોળાફેંકની સ્પર્ધામાં 7.59 મીટર ગોળો ફેંકી તથા બરછીફેંકની સ્પર્ધામાં 25.02 મીટર બરફી ફેંકી યુનિવર્સિટીમાં દ્વિતીય ક્રમે રહી સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો, તેમજ ભાઈઓની લાંબીકુદ ની સ્પર્ધા માં રાઠોડ રોહિતે 6.25 મીટર નો લાંબો કૂદકો મારી યુનિવર્સિટીની સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો, તથા દિવ્યાંગ બહેનોની સ્પર્ધામાં કોલેજની વિધાર્થીની રવિદાસ નીલુ એ જીવન માં સૌ પ્રથમ વાર રમતગમતમાં ભાગ લઈ 50 મીટર દોડ અને લાંબીકુદ માં પ્રથમ ક્રમ મેળવી ગોલ્ડ મેડલ તથા ગોળાફેંકમાં દ્રિતીય ક્રમ મેળવી સિલ્વર મેડલ પ્રાપ્ત કરી કુલ 3 મેડલ મેળવ્યા હતા. કોલેજ ના વિજેતા વિધાર્થીઓ તથા શારીરિક શિક્ષણ વિભાગના ડૉ.ભગીરથ પટેલ ને 6 મેડલ મેળવવા બદલ કોલેજના પ્રિ. ડૉ.કે.એ.ભોયે સરે સમગ્ર કોલેજ પરિવાર અભિનંદન પાઠવ્યા હતા.
23/01/2026
Celebration of National Farmer Day
23/01/2026
5 days Self Defence Program For Girls