21/08/2026
સરકારી કૉલેજ વાંસદા ખાતે ‘World Entrepreneurs Day’ની ઉજવણીના ભાગરૂપે ‘ડાંગી હોટલ: સફળતાની યાત્રા’ કાર્યક્રમ યોજાયો.
સરકારી આર્ટ્સ, કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ, વાંસદા ખાતે તા.૨૧/૦૮/૨૦૨૬ને શુક્રવારનાં રોજ કોલેજની IQAC કમિટી, ઇનોવેશન ક્લબ દ્વારા ‘World Entrepreneurs Day’ની ઉજવણીના ભાગરૂપે ઇનોવેશન ક્લબના કો-ઓર્ડિનેટર પ્રા. દીપેશ કામડી દ્વારા આચાર્યશ્રી ડૉ. યોગેશ જે. મિસ્ત્રીના માર્ગદર્શન ‘ડાંગી હોટલ: સફળતાની યાત્રા’ વિષય પર વિશેષ પ્રેરણાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે નિમિત્તે ડાંગી હોટલ, મોટી ભમતી, વાંસદાના સ્થાપક શ્રી ભૂપેન્દ્ર આર. પટેલ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જેમણે ડાંગી હોટલની સ્થાપનાથી લઈને તેના વિકાસ અને સફળતા સુધીની યાત્રા અંગેનો પોતાને થયેલા અનુભવો પોતાની સાદી સરળ ભાષામાં વિદ્યાર્થીઓ સાથે વ્યક્ત કર્યા હતા. તેમણે વ્યવસાય શરૂ કરવા માટે જરૂરી દૃષ્ટિકોણ, આયોજન, મહેનત, જોખમ લેવાની ક્ષમતા અને સતત નવીનતા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું કે કોઈપણ વ્યવસાયની સફળતા માટે માત્ર મૂડી જ નહીં, પરંતુ સર્જનાત્મક વિચાર, ગુણવત્તાયુક્ત સેવા, ગ્રાહકોની જરૂરિયાતોની સમજ, સમયનું આયોજન અને સતત પ્રયત્ન મહત્વપૂર્ણ છે. સ્થાનિક સંસાધનો અને તકોને ઓળખીને પણ સફળ ઉદ્યોગ ઊભો કરી શકાય છે, તે અંગે તેમણે પોતાના વ્યવસાયિક અનુભવ દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને શિક્ષણ બાદ માત્ર નોકરી મેળવવા પૂરતું સીમિત ન રહેતા સ્વરોજગાર અને ઉદ્યોગ સાહસિકતાના ક્ષેત્રમાં નવી તકો શોધવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને વ્યવસાયમાં આવતાં પડકારોનો સામનો કરવાની સાથે નવીન વિચાર અને ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની દિશામાં પણ માર્ગદર્શન મળ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં ઉદ્યોગ સાહસિકતા, નવીનતા અને સર્જનાત્મકતાની ભાવના વિકસે તે માટે વિવિધ મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ, ઇનોવેશન કલબના સભ્ય અધ્યાપકો હાજર રહ્યા હતાં સૌના માટેઆ કાર્યક્રમ જ્ઞાનવર્ધક, પ્રેરણાદાયી અને વ્યવહારુ અનુભવપ્રદ રહ્યો હતો. કાર્યક્રમનું સંચાલન પ્રા.દીપેશભાઈ કામડીએ કર્યું હતું અને પ્રા.ડૉ.ગૌતમભાઈ આર.ગાયકવાડે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.