05/08/2026
#થરા_કૉલેજમાં_લોકસાહિત્ય_અને_પરંપરા_વિષય_ઉપર_વ્યાખ્યાન_યોજાયું.
કાંકરેજ તાલુકા કેળવણી મંડળ, થરા સંચાલિત શ્રી સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યા સંકુલ અંતર્ગત શ્રીમતી કાંતાબેન કીર્તિલાલ શાહ આર્ટ્સ અને શ્રીમતી લીલાવતીબેન બાપુલાલ ગુંજારીયા કૉમર્સ કૉલેજ, થરામાં તા. ૦૩-૦૮-૨૦૨૬ને સોમવારના રોજ ઈતિહાસ વિભાગ દ્વારા 'લોકસાહિત્ય અને પરંપરા' એ વિષય ઉપર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
લોકસંસ્કૃતિને ઉજાગર કરતા આ મૂલ્યનિષ્ઠ કાર્યક્રમનો પ્રારંભ સરસ્વતી વંદનાથી કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કૉલેજના પ્રિન્સીપાલ ડૉ. દિનેશકુમાર એસ. ચારણે અધ્યક્ષીય પ્રવચનમાં ભારતીય સનાતન સંસ્કૃતિને કેન્દ્રમાં રાખી ગુજરાતનું લોકસાહિત્ય, લોકસંસ્કૃતિ, લોકસાહિત્યકારો અને આજદિન સુધી ભૂલી ન શકાય તેવી પરંપરાગત તથા પરિવર્તનશીલ સમાજ અને સંસ્કૃતિ સંદર્ભે વિદ્વતાસભર પ્રેરક પ્રવચન આપી વિદ્યાર્થીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. આ કાર્યક્રમના પ્રધાન વક્તા કૉલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલ ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદમાં અનુસ્નાતક ઈતિહાસ વિભાગમાં અભ્યાસ કરતા શ્રી કિશનકુમાર બી. દેસાઈએ ભાતીગઢ સંસ્કૃતિના - વિદ્યાપીઠના નિયત પરિવેશમાં રહીને સંગીત, કલા, સાહિત્ય, લોકસંસ્કૃતિ, લોકગીતો, લગ્નગીતો, ફટાંણા, મરશિયા, ગઝલો, ભાતીગઢ મેળાઓ વગેરે સંદર્ભે ભાવસભર બનીને પોતાની આગવી શૈલીમાં વિદ્યાર્થીઓને રસતરબોળ કરી દીધાં હતા. આ પ્રસંગે સમગ્ર અધ્યાપકગણ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવામાં પ્રા. ભૂમિકાભેન શ્રીમાળી, પ્રા. અમૃતભાઈ ઠાકોર, પ્રા. વિનાબેન દેસાઈ, પ્રા.ડૉ. નિતેશભાઈ પટેલ સર, પ્રા.ડૉ. અમિષાબેન, પ્રા. ડૉ. ગૌરાંગભાઈ શ્રીમાળી, પ્રા.ડૉ. પાયલબેન વગેરેએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સુચારું સંચાલન પ્રા ડૉ. આર. આર. રોહિતે કર્યું હતું.