03/07/2023
આજે ગુરુપૂર્ણિમા નિમિત્તે સૌ શિક્ષકો-ગુરુઓ-આચાર્યોને શુભેચ્છાઓ અને વંદન સાથે મિતાબહેનનો આ લેખ અહીં મૂકીએ છીએ. અમને વિશ્વાસ છે કે આ વાંચીને તમારા મનમાં કોઈ એક ચહેરો તો ઉપસી જ આવશે.
*શીખતાં શીખવે તે શિક્ષક*
લેખન: મિતા ઝવેરી
શિક્ષણનો મૂળ હેતુ જ શીખતાં શીખવવું તે છે. તેથી સ્વાભાવિક જ શિક્ષકનું મૂળ કામ શીખતાં શીખવવાનું છે. 'શિક્ષણ વિચાર' માં શિક્ષણની વાત કરતા વિનોબાજીએ કહ્યું છે,
'બાળક ભલે નાનું છે. પણ એ એક પૂર્ણ છે. આ પૂર્ણ નાનું છે. પણ આ નાનાં પૂર્ણમાં જ્ઞાનનો ભંડાર છે જ. શિક્ષકે નાનાં પૂર્ણને મોટાં પૂર્ણ સુધી વિકસિત થવા, એમાં રહેલાં જ્ઞાનનાં ભંડારને ઉઘાડવાનું કામ કરવાનું છે.' ખરેખર, બાળક અગાઢ કૂતુહલ સાથે જન્મે છે. તેનાં કૂતુહલતાનાં એક એક આવરણને ખસેડી માંહે ભરેલાં જ્ઞાનના ભંડારને ઉઘાડવાનું કામ એટલે જ શીખતાં શીખવવાનું કામ.
મૂર્તિકારને કદી મૂર્તિ કંડારતા જોયા છે? પથ્થરમાંથી મૂર્તિ કંડારવા માટે મૂર્તિકાર સૌપ્રથમ પથ્થરની શિલામાં કલ્પનાની એરણ વડે રેખા અંકિત કરે છે. અને પછી એને છીણી હથોડા વડે હળવે હળવે કોતરે છે. શિક્ષકે પણ સ્નેહની ચાવી વડે બાળકનાં મનનાં દ્વાર ખોલી, એનાં ગમા અણગમા પારખી, એને ગમતી મંઝીલ તરફ જતા માર્ગનો દિશા નિર્દેશ કરવાનો છે.
શીખતાં શીખવવાની પ્રક્રિયા ૧+૧=૨ જ માત્ર નથી. આ પ્રક્રિયામાં ૧ અને ૧ = ૧૧ પણ થાય એ શક્યતાનો સ્વીકાર કરવાની તૈયારી જરૂરી બને છે. કેમકે, દરેક બાળક એક સમાન જ હોય એવું બનતું નથી. એટલું જ નહીં, વિવિધ અને વિશિષ્ટ પરિસ્થિતિ તેમજ જુદાં જુદાં સ્વભાવ વાળા બાળક સાથે કામ કરવાની શિક્ષકની તૈયારી અને સજ્જતા ખૂબ જરૂરી બને છે.
સતત જાગૃત, અભ્યાસુ અને સંવેદનશીલ શિક્ષક બાળકને ખિલવા કે વિકસવામાં મદદરૂપ થાય છે. બાળક શાળામાં આવે કે શિક્ષક વર્ગખંડમાં જાય ત્યારે મોં પર હળવું સ્મિત રાખી દરેક બાળક પર એક સ્નેહભરી નજર ફેરવે છે. એ વખતે જાગૃત શિક્ષક દરેક બાળકનાં ચહેરા પરની લકીરની ભાષા સમજી જાય છે. ક્યા બાળકને આજે શું મૂડ છે એ એજ સમયે શિક્ષકનાં મગજમાં નોંધાય જાય છે. વર્ગના બાળકોનાં મૂડનો અંદાજ મેળવી લીધાં પછી શિક્ષક પોતાને જે કંઈ કરાવવું છે, જણાવવું છે કે શીખવવું છે તે બાબત સુધી કઈ રીતે બાળકોને લઈ જવા એ માટેની વિચારણાં એક અભ્યાસુ શિક્ષક બહુ ઝડપથી કરી લે છે અને એ મુજબ શિક્ષણ કાર્ય કરવાથી એમને સફળતા મળે છે. આ અંગેની આવડત મેળવવા માટે શિક્ષકે બાળ મનોવિજ્ઞાનનો અભ્યાસ કરવો જરૂરી છે. એટલું જ નહીં દેશવિદેશના બાળ કેળવણી કારોનાં અનુભવોથી માહિતગાર થવું પણ એને ઉપયોગી થઈ પડે છે. સતત બદલાતી શિક્ષણ પદ્ધતિઓ સાથે રહીને મૂળ જરૂરી બાળ કેળવણીની બાબતોને વળગી રહેવું એ ક્યારેક સામે પ્રવાહે તરવા જેવું કઠિન પણ બને. છતાં એક સાચો શિક્ષક પાછાં ડગ ભરતો નથી. પોતે પણ નવાં પ્રયોગો કરે અને જો નિષ્ફળતા મળે તો એને પણ સ્વીકારી આગળ ચાલે. આમ, શીખતાં શીખવવાની સાથે શિક્ષકની શિક્ષણ પ્રક્રિયા પણ ચાલતી રહે એ ખૂબ જરૂરી હોય છે.
આપણે ત્યાં એક કહેવત છે, 'બાળક તો કૂમળો છોડ એને વાળીએ તેમ વળે.' વાત તો ખરી છે. પણ, બાળકનાં સ્વભાવ કે ગમા અણગમાને પારખવા એની સાથે વાતચીત કરવી જરૂરી બને છે. બાળકને ઘણું બધું કહેવું હોય છે. ઘરમાં કે આસપાસમાં બનેલી ઘટનાઓ અંગે વાત કરવી હોય છે. દાદાએ કહેલી વાર્તાનો સાર બધાંને કહેવો હોય છે. ઘરે આવેલ મહેમાનોની વાત કહેવી હોય છે. બહાર ગયાં હોય તો એ વિષયક વાત પણ કહેવી હોય છે. શેરીની કૂતરીને ગલુડીયા જન્મ્યા કે ઘરનાં કૂંડામાં ઊગેલા બારમાસીમાં આવેલ ફૂલ વિશે પણ વાત કરવી હોય છે. ઘરમાં થતાં ઝઘડાં અંગે પણ એને કહેવું હોય છે. આ કે આવી અઢળક વાતો બાળક શિક્ષકને કહેવા ઈચ્છે છે. આ બધી વાતો કંઈ નકામી નથી હોતી.
આ બધી વાતો પરથી બાળકનાં સ્વભાવ, વર્તન કે ગમા અણગમાની પરખ એક સંવેદનશીલ શિક્ષકને તરત જ થાય છે. બાળકનાં વિકાસની યોગ્ય દિશા માટે બાળકને સાંભળવાની પ્રક્રિયા ખૂબ ઉપયોગી થાય છે.
બાળકનાં ગમા અણગમા અને એની સંવેદનશીલતાની પરખ એક વખત શિક્ષકને થઈ જાય પછી બાળકનાં હૃદય મનનાં વધું આવરણો ખોલવાનું શિક્ષક માટે સહેલું થઈ જાય છે. એ માટે સર્જન એ ઉત્તમ અને આનંદદાયક સાધન છે. બાળકને ગમતી વાતો કરીને, એને ગમતી પ્રવૃત્તિમાં પરોવીને બહુ સરળતાથી સર્જનશીલતાનાં પગથિયે લઈ જઈ શકાય છે. અહીં, બે પ્રકારે સર્જન પ્રવૃત્તિ આપી શકાય. એક તો, 'આ બનાવવું છે' એમ કહી, એ કઈ રીતે બનાવવું કે એ બનાવવાં શું શું જોઈએ તે વિશે વિચારવા, જરૂરી સાધનો મેળવવાની મહેનત બાળકને જ કરવા દેવી. બીજી રીત તે, થોડી સાધન સામગ્રી આપી આમાંથી શું બનશે કે બનાવશો? એ અંગે બાળકને જ વિચારવા, બનાવવા દેવું. સર્જન કરતાં કરતાં બાળકને અનેક પ્રશ્નો થશે, અનેક જરૂરીયાતો ઊભી થશે. આવે સમયે બાળકને મદદરૂપ થવા કે એની જિજ્ઞાસા સંતોષવા શિક્ષકની સજ્જતાની કસોટી થાય એવું બને. શક્ય છે કે શિક્ષકને ખબર ન હોય એવું પણ કશુંક બાળક કરવા મથશે. એ મથામણમાં પણ ક્યાંક શિક્ષકની સહાયતા એને જોઈશે. એ વખતે અભ્યાસુ શિક્ષક તરત જ બાળકને સહાય કરવા અભ્યાસમાં લાગી જશે. ક્યાંક બાળકને પણ સાથે જોડશે. પણ, બાળકનાં પ્રશ્નો ટાળવા કે પોતાની અજ્ઞાનતા છૂપાવવા બાળકને ખોટી રીતે ધમકાવીને એની જિજ્ઞાસા વૃત્તિ કે સર્જનશીલતાને રોકશે નહીં.
શીખતાં શીખવવાની પ્રક્રિયામાં ધીરજ અને માતૃત્વ સભર સ્નેહ ખૂબ જ મહત્વ ધરાવે છે. માતાની હાસ્ય રેખા પૂર્ણ થાય ત્યાં જેની હાસ્ય રેખા જોડાય જાય તે શિક્ષક. નર્સરીમાં આવતાં
બાળકને મન શિક્ષક એની મા જ હોય છે. અરે! પ્રાથમિક શાળામાં ભણતું બાળક તો ઘણી વખત મા કરતાં શિક્ષકનું વધું માને છે. આથી શિક્ષક પુસ્તક ઉપરાંત જીવનલક્ષી શિક્ષણ પણ બાળકને આપે તે જરૂરી જ નહીં મહત્વનું છે. આપણે જાણીએ છીએ કે, બાળક જે જુએ છે તે કરે છે. એટલે બોલચાલ કે પહેરવાં ઓઢવાની બાબતે પણ શિક્ષકની જાગૃતિ અને સજાગતા જરૂરી બને છે. યુવાન વયનો શિક્ષક પોતાનાં શોખ કે વિચારસરણી પરત્વે સજાગ ન રહે તો એની માઠી અસર શાળાનાં વિદ્યાર્થીઓ પર થતી જ હોય છે.
શિક્ષક એક જવાબદાર નાગરિક છે. જેમ ડોક્ટર લોકોનાં સ્વાસ્થ્ય માટે ઉપયોગી અને પ્રયત્નશીલ હોય છે. એ જ રીતે શિક્ષક સામાજિક સ્વાસ્થ્ય માટે સજાગ અને પ્રવૃત હોય એ જરૂરી છે. આ માટે શિક્ષકનાં વ્યક્તિગત વાચન, વિચાર અને પ્રવૃત્તિ દ્વારા શાળાકીય અને સામાજિક નિસબત વિદ્યાર્થીઓનાં યોગ્ય વિકાસ માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડી શકે છે. શિક્ષકે પોતે શું વાંચે છે, વિચારે છે, એ અંગેની વાત કરી વિદ્યાર્થીઓએ કઈ ઉંમરે શું વાંચવું જોઈએ એનું માર્ગદર્શન આપવું જોઈએ. શું વાંચવું, કઈ રીતે વાંચવું, કેવી નોંધ ટપકાવવી, વાંચેલ બાબતો અંગે વિચારવું, ચર્ચા કરવી, મંથન કરવું ... આમ, વાચનથી વિચાર પ્રક્રિયા અને એ દ્વારા ઊંડાં અભ્યાસની શીખ અને કેળવણી શિક્ષક આપે તો બાળક/ વિદ્યાર્થીને ઘણું ઉપયોગી રહે. નાનાં બાળકોને વાર્તા કહી, બાળગીત સંભળાવી પછી એ અંગે વાતો કરવાથી બાળકોની વિચાર શક્તિને યોગ્ય દિશા મળે છે. રોજબરોજ થતી પ્રાર્થનાઓ કે સંદેશાત્મક ગીતો દ્વારા જીવન મુલ્યોનું સિંચન થઈ શકે. વાચન માટે જરૂરી પુસ્તકો, ગીત-પ્રાર્થના- બાળગીતોની સીડી વગેરે શાળામાં ઉપલબ્ધ હોય એ ખૂબ જરૂરી છે. શાળાનું મધ્યસ્થ પુસ્તકાલય તો હોય જ પણ દરેક વર્ગ ખંડમાં પણ જરૂરી પુસ્તકો તરત ઉપલબ્ધ થાય એવી ગોઠવણ હોય તે ખૂબ જરૂરી છે.
શિક્ષક પુસ્તક, પ્રવૃત્તિ ઉપરાંત પ્રકૃતિ દ્વારા પણ શિક્ષણ આપી શકે છે. બાળકની કૂતુહલતાનું નિવારણ તેમજ કેટલાક કિસ્સામાં જિજ્ઞાસા વૃત્તિનાં વિકાસ અને સંવેદનશીલતાનાં વિકાસમાં પ્રકૃતિ ખૂબ ઉપયોગી નીવડે છે. 'હું કોણ છું, ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું?' આને માત્ર આધ્યાત્મિક વાત ન ગણતાં વૈજ્ઞાનિક બાબત ગણીએ તો દરેકનાં મનમાં ઉઠતાં આવાં પ્રશ્નોનાં વૈજ્ઞાનિક જવાબો પ્રકૃતિને ખોળે બેસીને મેળવવા સરળ બને છે. પ્રકૃતિના ખોળે બેસીને જ અન્ય જીવસૃષ્ટિ સાથેનું જોડાણ અને એને માટેની સંવેદનાનો વિકાસ થાય છે. વિજ્ઞાન ઉપરાંત ઈતિહાસ, ભૂગોળ, ગણિત, સાહિત્ય, ચિત્ર, ફોટોગ્રાફી કે હસ્તકલા જેવાં વિષયો પણ શીખવા સરળ બને છે. હા, આ બધી જ પ્રવૃત્તિઓ માટે શિક્ષકે ઘણી મહેનત કરવી પડે છે. પણ આ કે આવી બાબતો દ્વારા જ શિક્ષણનો શીખતાં શીખવવાનો મૂળ હેતુ પાર પડે છે એ વાત ચોક્કસ જ છે.
ચલતે ચલતે:
ઘરેડમાંથી બહાર નીકળી એક વખત શીખતાં શીખવવાની પ્રક્રિયા કરવા જેવી છે. આ દ્વારા મળતો સર્જનનો આનંદ અનેરો જ હોય છે.
__________અસ્તુ_________