21/03/2018
*બાળ કેળવણી – ભાવ કેળવણી* (ભાગ 2)
*માસિક અંક* : બાલમૂર્તિ,
March 2018
વાચક મિત્ર,
આગલા લેખમાં આપની સાથે ગ્લોબલ વોર્મિંગ અને ફેમીલી વોર્મિગના વિષય પર વાત થઈ, એવું પણ સમજવાનો પ્રયત્ન કર્યો કે મૂળ તો દષ્ટિકોણ જ છે... તેનો એક માત્ર ઉપાય છે, બાળ કેળવણી અને ભાવ કેળવણી.
ભાવ કેળવણીની શરૂઆત આપણે આપણો અભિગમ સમજવાથી કરીએ.
આજકાલ આપ આપની આસપાસ બોર્ડ એકઝામનો માહોલ જોઈ રહ્યા હશો. પરિવારનું એક બાળક જો બોર્ડમાં હોય તો આખું પરિવાર જાણે બોર્ડની એકઝામ આપતું હોય તેવું જણાય છે. પણ સાથે આપણે એ પણ યાદ રાખીએ કે જો જિંદગીને નજીક થી જોઈશું તો એવું લાગશે કે જિંદગી આપણી પળે પળે પરીક્ષા લઈ રહી છે. આપણે પણ તેમાં પાસ નાપાસ થતા હોઈએ છીએ. પાસ નાપાસની પ્રક્રિયા એ એક અનુભવ છે. અનુભવથી જ જિંદગી બદલાય છે અને આપણો અભિગમ ઘડાય છે.
જિંદગીની દરેક પરીક્ષામાં પાસ થવાનો કિમિયો એ આપણો જિંદગી પ્રત્યેનો અભિગમ છે.
સામાન્ય રીતે મનુષ્યના જીવન પ્રત્યેના અભિગમની વાત કરીએ અને તેમાં પણ બાળઉછેરની વાત કરીએ ત્યારે તમે બાળકની પરવરીશ દરમ્યાન આવું કંઈક સાંભળતા હશો..
‘બહુ જિદ્દી છે, તેના પપ્પા પર ગયો છે.‘
‘જો એક વારમાં નહિં માને તો બાથરૂમમાં પૂરી દઈશ.‘
‘સરખો બેસ, આ તારા બાપનો બગીચો નથી.’
‘સાવ ડોબો જ રહ્યો, કંઈ ઉકાળવાનો નથી, માથે પડયો છે.’
‘ચાલ આટલું કરી લે, એટલે આજે તારા માટે આઈસ્ક્રીમ.’
‘હાર્દિક.... કયાં મરી ગયો....’
‘ગધેડાને સમજ જ નથી પડતી, કહું છું કે ભણવા બેસ. આવા દે આજે તારા પપ્પાને...’
‘રવીન્દ્રને જો, તેના જેવો થા... તારા બાપનું નામ ડુબાડવાનો છે...’
‘મોબાઈલમાંથી માથું ઉંચું કર..’
‘બધે જ મોડો... કયારેક તો સમય પર કામ કર.’
‘સાવ ડરપોક છે.. ’
આપ જયારે આ વાંચી રહ્યા છો તો બની શકે કે ઉપરોકત માંથી કોઈ એક આવું વાકય અથવા તેના જેવું તમે પણ તમારા માટે સાંભળ્યું હોય, અથવા આપણે આપણાં જ બાળકો માટે તેનો દુરુપયોગ કરતા હોઈએ. આવા ઘણાં બધાં વાકયો રોજબરોજની જિંદગીમાં બાળકની સાથેના વ્યવહારમાં અભાનપણે બોલાતાં હોય છે.
આપણે આપણાં બાળકોને જે પણ બોલીએ છીએ તે ફકત શબ્દો નથી, તે આપણી જિંદગીને જોવાના નજરિયાનો એક ભાગ છે, જો તેનું વિશ્ર્લેષણ કરવામાં આવે તો તેની પાછળ આપણી માન્યતાઓ, અનુભવ, લાગણીઓ વગેરે છુપાયેલાં હોય છે. તે સકારાત્મક પણ હોઈ શકે અને નકારાત્મક પણ હોઈ શકે. તે સમજવા એક ઉદાહરણ જોઈએ..
દા.ત. પ્રિય વાચક, માની લો કે તમારી પોતાની પરીક્ષા થઈ અને તમારા ૭૫ ટકા આવ્યા, જે પાછલી પરીક્ષા વખતે ૬૫ ટકા હતા. અને આ વખતે તમારી સાથે ભણતા તમારા મિત્ર રોહિતના ૮૫ ટકા આવ્યા.
હવે તમે તમારા મા બાપ પાસે આ રીઝલ્ટ લઈને જાઓ છો.. ઘરે જતાંની સાથે જ એક બાળક તરીકે તમે એમ સાંભળો છો કે ‘ રોહિતના કેટલા આવ્યા?... અને તું રોહિત જેટલા ન લાવી શકયો...’
અથવા
ઘરે જતાંની સાથે જ એક બાળક તરીકે તમે એમ સાંભળો છો કે ‘વાહ, આ વખતે ૧૦ ટકા વધુ માર્કસ લાવ્યો... વેરી ગુડ... તું કરી શકે છે દીકરા..’
ઉપરોકત બંને ધટનાઓમાં તમારા મત પ્રમાણે તમારા મા બાપનું વલણ તમને કેવું લાગે છે ?.... સકારાત્મક કે નકારાત્મક ?
જે પણ જવાબ આવે તે તમારાં મા બાપનો તમારું મૂલ્યાંકન કરવાનો અભિગમ છે.
આ અભિગમ જ બાળકની દુનિયા બનાવે છે કે બગાડે છે.
પેરેન્ટસ બનવાની સાથે સાથે આપણે એક માનવ પણ છીએ તે ન ભૂલવું જોઈએ. આપણી આસપાસની દુનિયા, પતિ પત્ની તરીકેના આપણા સંબંધો, જે તે પરિસ્થિતિમાં આપણું માનસિક સંતુલન – અસંતુલન, આપણી સંગત, આપણી ટેવો, આપણી રોજબરોજની કાર્યશૈલી અને વ્યવહાર, આપણો અંહકાર, આપણો ભૂતકાળ અને તેમાં થયેલા અનુભવો, જિંદગી પાસેથી આપણી પોતાની અપેક્ષાઓ વગેરે બાબતો આપણી જિંદગીનો અભિગમ નક્કી કરતી હોય છે.
આપણો પેરેન્ટસ તરીકેનો અભિગમ જ બાળકને વધુ અસર કરતો હોય છે.
પેરેન્ટસ સાથેના જાહેર સંવાદોમાં મેં એવું સાંભળ્યું છે કે ‘અમે બાળક તરીકે જે ભોગવ્યું છે તે અમે અમારા બાળકોને અનુભવ કરાવવા માંગતા નથી. એટલે અમે એમને બધી જ સગવડ પૂરી પાડીશું... જેથી તેમને કોઈ તકલીફ ન પડે’ આ અભિગમને તમે શું કહેશો ? મા બાપ તરીકે તમારી લાગણી બરોબર છે પણ જીવનના વિકસવાના સિદ્ધાંતને તે અનુરૂપ છે ?
માનવ ઘડતરનો એક મહત્વનો સિદ્ધાંત એ છે કે ‘There is no Gain without Pain” આ સિદ્ધાંત અસ્તિત્વની તમામ બાબતોને લાગુ પડે છે. તે આપણે સમજવું જરૂરી છે.
અહીં એક પ્રશ્ન પૂછવાનું મન થાય કે જો પતંગિયાને કોશેટામાંથી બહાર આવવા માટે તમે આંગળીથી મદદ કરો તો શું થશે ? તે કેટલું જીવશે ? શું તે ઊડી શકશે ? આનો જવાબ જ આપણો અભિગમ છે.
આપણે એ સમજવું અને જોવું જોઈએ કે બાળક જે તે પરિસ્થિતિમાં જાતે જ રસ્તા શોધી ક્ષમતા કેળવે જેથી તેનો પોતાનો આત્મવિશ્વાસ અને આત્મ ગૌરવ વધે અને લાગણીનું સંતુલન કેળવતા શીખે.
દરેક વ્યક્તિ ધારે તો પોતાનો અભિગમ બદલી શકે છે, મા બાપ પણ... આપણે એ યાદ રાખવું જોઈશે કે શીખવાની કોઈ ઉંમર હોતી નથી.. આપણું બાળક જેમ એક વર્ષ નું થાય તેમ મા બાપ તરીકે આપણી ઉંમર પણ એક વર્ષની જ હોય છે તેથી બાળક જેમ પોતાની ઈન્દ્રિયો દ્વારા દુનિયાને સમજવાનો અને નવું શીખવાનો પ્રયત્ન કરે છે તેમ મા બાપ તરીકે આપણે પણ તેમ જ કરવું જોઈએ.
વડીલો પાસેથી ડહાપણ શીખીએ, બાળઉછેરના પુસ્તકોનું વાંચન કરીએ, પેરેન્ટીંગના કોઈ કોર્સમાં જોડાઈએ, ચર્ચા સભાઓમાં ભાગ લઈએ, બ્લોગ જોઈએ, યુ ટયુબ પર તેને લગતા વિડીયો જોઈએ... અને તેને આપણા આચરણમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ.
આપણે કાચબા અને સસલાની વાર્તા પરથી જાણીએ જ છીએ કે “Slow and Steady wins the Race”
આપ સૌ ને બાળકોનાં માતા પિતા તરીકેની સર્વોચ્ચ પદવી માટે શુભકામનાઓ, અને હા અને એ યાદ રાખીશું કે બાળકની એકઝામ કરતાં બાળક વધુ મહત્વનું છે.
વૈભવ પરીખ.