16/07/2026
રથયાત્રાના પાવન પર્વે શેઠ સી.કે. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને એસ.ટી. બસ સેવાની અમૂલ્ય ભેટ
સાણંદ, તા. 16 જુલાઈ : ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાના પાવન પર્વે શેઠ સી.કે. હાઈસ્કૂલ સહિત સાણંદ – નાની દેવતી – પીપણ (ગણાસર) – સોયલા રૂટના વિદ્યાર્થીઓને નવી એસ.ટી. બસ સેવાની ભેટ મળી છે.
વિદ્યાર્થીઓને રોજિંદા શિક્ષણ માટે સુરક્ષિત અને નિયમિત પરિવહનની સુવિધા મળી રહે તે હેતુથી શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી જીગ્નેશભાઈ વાઘેલા દ્વારા આ રૂટ પર બસ સેવા શરૂ કરવાની માંગણી લાગણીશીલ ધારાસભ્યશ્રી કનુભાઈ પટેલ સમક્ષ કરવામાં આવી હતી. ધારાસભ્યશ્રીએ વિદ્યાર્થીઓની સમસ્યાને પ્રાથમિકતા આપીને તાત્કાલિક સાણંદ એસ.ટી. ડેપોના મેનેજરશ્રી રાઠોડ સાહેબ સમક્ષ રજૂઆત કરી હતી. જેના પરિણામે માત્ર ૯ દિવસના ટૂંકા ગાળામાં નવી બસ સેવા શરૂ કરવામાં આવી.
આ નવી બસ સેવાના કારણે શેઠ સી.કે. હાઈસ્કૂલ તથા અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નિયમિત, સુરક્ષિત અને સમયસર અવરજવર કરવાની સુવિધા મળશે, જે શિક્ષણને પ્રોત્સાહન આપવાની સાથે ડ્રોપઆઉટનું પ્રમાણ ઘટાડવામાં પણ મદદરૂપ બનશે.
નવી બસ સેવાના શુભ પ્રારંભ પ્રસંગે ધારાસભ્યશ્રી કનુભાઈ પટેલ, સાણંદ શહેર ભાજપ પ્રમુખશ્રી વીરેન્દ્રસિંહ ઝાલા, નગરપાલિકા પ્રમુખશ્રી ધ્રુમીનભાઈ દોશી, શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી જીગ્નેશભાઈ વાઘેલા, સાણંદ નગરપાલિકાના સદસ્યો, હોદ્દેદારો, કાર્યકર્તાઓ, શેઠ સી.કે. હાઈસ્કૂલના આચાર્યશ્રી, શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
અંતમાં શેઠ સી.કે. હાઈસ્કૂલ પરિવાર તથા સંસ્થા વતી શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી જીગ્નેશભાઈ વાઘેલા, ધારાસભ્યશ્રી કનુભાઈ પટેલ અને સાણંદ એસ.ટી. ડેપોના મેનેજરશ્રી રાઠોડ સાહેબનો વિદ્યાર્થીઓના હિતમાં કરાયેલા ઝડપી અને સંવેદનશીલ નિર્ણય બદલ હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
"વિદ્યાર્થીઓની સુવિધા એ જ શિક્ષણની પ્રગતિ અને વિકાસનો સાચો માર્ગ છે."