06/04/2025
વિરાગના રતન પટેલ.
ધોરાજી પંથકમાં જાણે વીજળી પડી હોય તેમ
પટેલોના ટોળાં ધોરાજીની બજારમાં ઉભરાઈ રહ્યાં છે. મરશીયાના માડવા ખોડાણા છે.કાળા કલ્પાંતથી ગામ ગાજી રહ્યું છે.માથા વગરની લાશો જોઈ કણબીઓના કાળજે ઉકળતુ તેલ રેડાઈ રહ્યું છે.
ધોરાજી ના સ્મશાને એક સાથે બાર ચિતાઓ પ્રજવળી. આ સ્મશાનયાત્રામાં આવેલા ધોરાજીના તમામ પટેલ ઉપરાંત સુલતાનપુરના જાગા પટેલ,કલા પંચાણી, જસાપરના કાનજી બાબરીયા ને સુલતાનપુરના મેપા લુણાગરિયા સહિત હજારો કણબી જોડાયા હતા.
સ્ત્રીઓ તથા બાળકોના કાળા રૂદનથી ઝાડવાઓ પણ જાણે શોકનો મલાજો પાડતા હોય તેમ થંભી ગયા હતા.
મૃતકો નું કારજ પત્યા પછી વઘાસીયાના ચોરે પટેલો ભેગા થયા હવે નક્કી કર્યું કે ધોરાજીમાં રહીને જીવવા કરતો હવે ઉચાળા ભરી બીજા રાજ્યમાં જે સુખેથી જીવવું...
પણ કોના રાજમાં જવું ?.
કાઠીઓના બારવટીયા વગરનું કોઈ રાજ ખાલી નહોતું તો પણ ધોરાજીમાં રહેવું એટલે મોત ને નોતરું.
ગોંડલ ધણી મોતીભીની શક્તિ પણ લાખા બસીયા પાસે વામણી ઠરી હતી..
પટેલ સમજતા હતા કે હજુરીયા ના ગળા માં સોનાના હાર પહેરાવી મોતીભીએ રાજની ભીતો મેલી કરી છે.
વેરના તોરણ રાજના બારસાખખેથી ઉતારી બસિયા સાથે સુલેહ શાંતિ સમજૂતી કરવા મોતીભી તૈયારી કરતા પણ તેના હજુરીયા દરબાર ને આમ કરતાં અટકાવી બસીયાને જેર કરવાનું સમજાવી દરબાર નેઅવળી દિશા દેખાડી રહ્યા હતા.
વાત જાણે એમ બની હતી કે ગોંડલ રાજ સામે વાધો પડતાં સુલતાનપુરના બસિયા જીવા અને
વીસા ગોંડલની સામે રોષે ભરાઈ બહારવટિયે
ચઢ્યા હતા.આ કાઠી બસિયાને લાખા બસિયાનુ પીઠબળ હતું. લાખા બસિયાએ પણ
ગોંડલ સામે તલવાર તાણી હતી. પણ ગોંડલ
સામેના બહારવટામાં પોતાનો પગ પાછો પડતાં
આ બહારવટિયા રાજને હંફાવવા નિર્દોષ રૈયતને બાનમાં રાખી કાળો કેર વરતાવી રહ્યા હતા.
ઉભી મોલાતોમા કાઠીયાવાડી ઘોડા હમચી લે. જાત મહેનતથી જમીન ખેડીને પોતાના લોહીનું પાણી કરી પરસેવા ઉતારી પોતાની કોદાળી ને કોઈના જાજો રે તડકો વેઠીને તૈયાર કરેલ હતો અને પોતાની નજર સામે ભેળાતી જોઇ જગતના તાતની આંખ માંથી લોહી ટપકી રહ્યું છે.
કેટલાક રાજ્યોમાં રાજતંત્રમાં નીતી અને ન્યાય જેવું નિશાન હતું નહીં અને દગાબાજી અસત્ય એ જ રાજનીતિ ગણાતી. રાજાઓ પોતે મોજશોખમા ડૂબેલા રહેતા જેથી દિવાનો કારભારીઓને હજુરીયાઓ સર્વસત્તાધીશ રહેતા..
ચોરાની સભામાં વાત નક્કી થઈ રહી હતી .કે આપણે ઉચાળા ભરીને જઈએ તો ખરા પણ એકવાર ગોંડલ ધણીને મળી લેવું સારું .જો દરબાર કોઈ માર્ગ કાઢવા તૈયાર હોય તો વાટ જોવી.
બધાએ નક્કી કરી લીધું કે કાલે સવારે ગોંડલ જઈ મોતીભીને બસિયાના જુલમમાંથી ઉગારવાની રજૂઆતો કરવી.
બીજા દિવસે ૫૦ થી વધારે કણબી પટેલોનું ધાવડુ દરબારગઢ સામે સામે જઈને ઊભુ અને મોટીભીને મળવાનું કેણ મોકલાવ્યું.
દરબારે પટેલોને મહેેલમાં બોલાવ્યા.અને તેમની ફરિયાદ સાંભળી પછી કહ્યું કે કાઠી ખસીયા ત્રાસથી આ રાજને પણ પારાવાર નુકસાન થઈ રહ્યું છે .હું લાખા બસિયા અને તેની ટોળીનેે જેર કરીને રૈયતને ઉગારવાના તમામ પ્રયાસ કરીશ. તમે ધોરાજીના થાંભલા છો તમને રાજ છોડવા નહી દઉં.
જાઓ તમને મારું વચન છે કે કાઠી બસિયાને જીવતો ઝાલી તેનું માથું ધોરાજીની બજારમાં લટકાવીશ.
ગોંડલ દરબારની હૈયાધારણ સાથે બધા ધોરાજી આવ્યા.આ વાતને બે મહિના જેવો સમય થવા આવ્યો.લાખા બસિયાની ટોળી ની રાડ. વધી રહી છે. તી રાજ તરફથી કોઈ વાવડ ન હતા. ખેડૂતોના જીવ પડીકે બંધાઈ રહ્યા હતા.
ખેતરમાં કોઈ ખેડુ સાતી હાકવા જતો નથી. સીમ આખી સુનકાર ભાસી રહી છે. લાખો તેના સાથીદારો સાથે ધોરાજીની સીમ ખુદી રહ્યો છે.
દરબાર સાથેની વાતને વર્ષ થવા આવ્યું તો કાઠીઓના પકડવાના રાજ તરફથી કોઈ પ્રયત્નો થયા નહોતા.
આથી પટેલિયા ઓ ભગવાન ને ભરોસે જીવી રહ્યા હતા.એક દિવસ ધોરાજીમાં ખળભળાટ મચી ગયો લોકો નીંદર હરામ થઈ ગઈ.
કારણકે લાખા બસિયાનો જાસો આવ્યો હતો બસિયા કાઠી જે ખેડૂતને મારવો હોય તેના ખેતરમાં અગાઉં એક જાસાચિઠ્ઠીથઈ ઝાડને થડે બાંધી દેેતા જેમાં લખ્યું હોય કે 'પટેલ હવે તમારો વારો કે જો તમારા ગોમ ધણી ને કેજો બસ હવે વેર વાળવાનું એટલે મોત ને નોતરું આપવું.'
મોંઘી પટલાણીની વાડી જાસો આવ્યો છે .એ વાતથી ધોરાજી ખળભડી ગયું એ સાંજે પટેલો ધોરાજીના ગામને ચોરે ભેગા થયા.કાઠી બસિયાના આતંકે માઝા મૂકી હતી. ખેડૂતોને હૈયે ભય આટીએ પડી ગયો હતો.રાજ તરફથી હૈયાધારણ અપાય છે પણ રખોપા થતા નથી. બાર બારના ભાઈઓના મોત ના રોજ આવેલ યાદના ભીગડામાં આ જાસાએ મેખ મારી લોહી કાઢ્યા હતાં.
પટેલિયા મનમાં ને મનમાં મુઝાય છે પણ કોઈ રસ્તો નીકળતો નથી.અંધારાની આટીઓએ ધોરાજીને વીટી લીધું છે ત્યારે બધા છુટા પડ્યા. પોતાના ઘર તરફ જવા નીકળ્યા.
કણબીવાડામાં ત્રણ ફળીયા એકબીજાને અઢેલીને હતા એ
બાવાવાળું,ટોળિયા અને બાવરીયા ફળીનાં નામથી ઓળખાતા હતાં.આ ફળીયામાંથી રુદનના સુરો સાંભળી કેટલાક પટેલ થંભી ગયા એ રૂદન રતનવહુનું હતું.
કાઠી લાખા બસિઆએ તેના ઘરનું માથું વાઢી નાખી તેના ઘરનું કઢામણ કર્યું ત્યાંથી રતન પટલાણીએ લાખા બસિયાને કાધ મારવાનું પ્રણ લીધું હતું અને એને યાદ તાજી રાખવા રોજ રાત્રે ઠુઠવો મુકતી હતી.
બીજે દિવસે સવારે વઘાસીયાને ચોરે પાંચ સાત ગામના પટેલો ભેગા થઈ કાઠીઓ સામે વેર લેવાની યોજના ઘડી રહ્યા હતા ત્યાં એક છોકરો હાફતો હાફતો ચોરા પાસે આવીને કહેવા લાગ્યો..
આતા, આતા કાલ સવાર મિઢળ છોડાવવા લાખો ઘડસિયા જઈ રહ્યો છે ભારે મોકો છે. સુલતાનપુર મેપા આતા લૂણગારિયાને તેડાવી લો,આંકડે મધ છે તે ય માખી વગરનું આવો લાભ ફરી નહી જડે હો..
આગંતુક ની વાત સાંભળી પટેલિયા હરખાય ઉઠ્યા વહેલી સવારે ઘુસડીયા નો માર્ગ રોકી આડા ટોડા બાંધવાની વેતરણ થઇ.
ખરાખરીનો ખેલ માડી લાખાને ભોય ભેગો કરવાના લાગમાં સંમતિની કડી મારી પ્રથમ ઘા કોણ કરશે અને વિચારને જીવંત રૂપ અપાય તે પહેલા એક અવાજ આવ્યો આતા, પેલો ઘા હું કરીશ...
ચોરે બેઠેલા પટેલોએ જોયું તો છાતી હેઠો લાજનો ઘૂમટો તાણી રતન બહુ ઊભી હતી.
તમે તો હું દીકરા સ્ત્રીની જાત,લાખા જેવા રાખહ ને તમારાથી ના પુગાય હો.હીરજી બાલઘાએ મીઠો ઠપકો આપ્યો..
તમે તો મારા માવતર ઠેકાણે કહેવાવ.નાના મોઢે મોટી વાત લાગે તો મારો ગુનો માફ કરજો. પણ મને રાડીરાડ કરી લાખાએ મારો જીવન બગડ્યો છે એ તે નરાધમને કાધ મારવાનું મેં પ્રણ લીધું છે આતા.
આટલું બોલી રતનબાઇ પટલાણી ઘરે આવી એના હૈયામાં મરતુક ધણીના બદલો લેવાની તાલાવેલી જાગી હતી.
તેના પાંચ વર્ષના છોકરાને સાસુને ભરાવી ઉપડી સુલતાનપુરના માર્ગે સાંજે દીવો વાટે ચડે એવે ટાણે એ ઉભી હતી મેપા લુણગારીયાની ફળીમાં..
આ સમયે સુલતાનપુરની પટેલાઈ મેપા પટેલના હાથમાં હતી ને તે રતનનો દુરનો સગો થતો હતો.
રતને મેપા પટેલને પ્રતિજ્ઞા ની વાત કરી લાખાને મારવામાં મદદરૂપ થવા વિનંતી કરી
મેપા પટેલે પસાયતાઓને બોલાવ્યા.. અને લાખો બસિયો ચોરીછૂપીથી સુલતાનપુરમાં પોતાની નવી પરણેતર સાથે આવ્યો છે ને જૂના ઘરમાં માં સંતાયો છે એવી માહિતી આપી લાખાને ઠાર મારવા હુકમ કર્યો.
ગામના પટેલનો હૂકમ એટલે રાજનો હુકમ ગણાતો. રતન પટલાણી પહોંચ્યા લાખા બસિયાની ડેલીએ. આ વખતે લાખો ઘુસડીયે મિઢળ છોડવાની તૈયારી કરતો હતો.
તેના તાજા જ લગ્ન થયા હતા બસિયા ક્ષત્રિયોની કુળદેવી ચામુંડા માતાજીનું મંદિર ઘુસડિયામાં આવેલું છે.જ્યાં લગ્ન પછી તમામ કાઠીઓની છેડાછેડી છોડવા નો રિવાજ છે.
સવારના આછા અંધારામાં લાખો ઘુસડીયે પહોંચે તે પહેલા ફળીમાં ગણગણાટ સાંભળી તેની પરણતરે ડોકાબારી ખોલી જોયું તો સિપાઈઓને જોયા.
લાખો બસિયો પોતાની તલવાર લઈને નું બારણું ખોલી એ બહાર કુદ્યો.પણ તે વાર કરે તે પહેલા જ તો જય માતાજી જય ખોડીયાર મારી લાજ રાખજે એમ બોલી રતન પટલાણીએ ઝાટકીને તલવારનો ઘા લાખની ગરદન ઉપર કર્યો.
લાખો ચકરી ખાઈને નીચે પટકાયો. લાખો છટકી ના જાય તે સારું બારણા પાછળ ઉભેલા બે પસાયતાઓએ લોહીમાં આળોટતા લાખા માથે તલવારોની પ્રાછટ બોલાવી.
પોતાના ધણીના ખૂનીને ઝાટકે દઈ રતન પટલાણીએ વેર વાળ્યું
એવા વાવડ દરબાર મોતીભીને મળતા દરબાર ધોરાજી આવ્યા ને રતન ની શાબાશી આપી ત્યારે રતન પટલાણી એટલું જ બોલી હતી...
અન્નદાતા ! જે કામ રાજે કરવું જોઈએ.એ કામ એક રાડીરાડ કણબણ કરે તમારા માટે શોભા નહિ !!
થોડીવાર પછી ઉમેર્યુ...
બાપુ દુઃખ લાગે તો મોઢામાં છેડો નાખી માફી માગું છું .અષાઢની આંધી જોઈ કળા કરતા મોરલાની પાંખે કાગડા નો શોભે તમારી એઠ ખાઈ તમને અવળે માર્ગે દોરનાર તમારા હજુરીયા અને જો આઘા આપશો તો રૈયતના દુઃખો દેખાશે...
બાપુ રતન આગળ કંઈ બોલે તો પહેલા ગોંડલનું કારભારી બરાડ્યો...
એ બાઈ બોલવામાં વિવેક રાખ. ગોંડલ ધણીની ઠેકડી ઉડાડતા લાજતી નથી?
તારી લવારીના પરિણામ જાણે છે તું ?
રતન કાળઝાળ બની.એનો સીનો ટટ્ટાર થયો. થોડીવાર પહેલાની ધીર ગંભીર અને શાંત લાગતી પટલાણી વિકરાળ બની:
હું તને નથી પૂછતી રાજ ની એઠ ખાનાર હજુરીયા! હું રાજા મોતીભીને પૂછું છું તારું મોઢું ને તું કેવડો !!!!
રતન પટલાણીના એક એક શબ્દો ગોંડલ ધણી ના કાળજા માં કોતરાઈ ગયા તેનાથી બોલી જવાયું...
'દીકરી રતન, તારો એક એક બોલ સોનાનો છે તે આજ મારી આંખો ઉઘાડી નાખે છે રૈયત થકી જ રાજા ઉજળો હોય છે હું સમજુ છું.....
બાપુ તમારી દીકરી છું એમ તમે કીધું છે તો દીકરીના બે વેણ કાને ધરજો હવે તમારી કાઠીયુ હારે છે એમાં રૈયતનો શું ગુનો છે?
રાજા ઘેરાઈ પડ્યો હોય તો જ હાલી મવાલી કાળા કામો કરે....
ચોરટાની ખાલ ઉતારી નાખો કૂતરાની પૂંછડી સીધી કેમ કરાઈ અને દેખાડી દો. આ કાઠીયાવાડ એના બાપની જાગીર થોડી છે કે ગમે તેને ગમે તેની સામે બા'રવટાને નામે જુલમ ગુજારે??
બસ બસ દીકરી બેટા બહુ બોલી તુ..તારે એક વેણ માં સાચું નો રણકો પડઘાઇ રહ્યો છે હું ગોંડલ ધણી મોતીભી જાડેજો આજથી પ્રતિજ્ઞા કરું છું કે રૈયતને રંજાડનાર નારાઓને ધોરાજી બહાર ફગાવુ નહીં તો હું ત્યાં સુધી કસુંબો અગરાજ કરું છું ......
અને કહેવાય છે કે એ ઘટના પછી ગોંડલ પતિ મોતીભીએ ખજુરીયા ઉપર વિશ્વાસ રાખ્યા વગર કાઠીઓ ઉપર કટક ઉતારી ધોરાજી પંથક માંથી કાઠીઓને ફગાવી દીધા હતા. ત્યારબાદ અન્ય રાજ્યોમાંથી પણ પટેલો આવી ધોરાજી વસવા આવ્યા હતા ..
(ફોટાઓ ઔપચારિક રીતે છેઆ વાત સાથે કોઈ લેવાદેવા નથી)