29/07/2026
આવકાર સમારોહ : B.Sc Sem - 1
29 જુલાઈ 2026 ગુરુપૂર્ણિમા
ઉત્તર-પૂર્વ ગુજરાત ઉચ્ચ કેળવણી મંડળ, પિલવાઈ સંચાલિત શ્રી યુ. પી. આર્ટ્સ, શ્રીમતી એમ. જી. પંચાલ સાયન્સ અને શ્રી વી. એલ. શાહ કોમર્સ કોલેજ, પિલવાઈ ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ના B.Sc. સેમેસ્ટર-૧ના નવપ્રવેશિત વિદ્યાર્થીઓ માટે ‘આવકાર સમારોહ’નું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉચ્ચ શિક્ષણના નવા તબક્કામાં પ્રવેશી રહેલા વિદ્યાર્થીઓને કોલેજના શૈક્ષણિક વાતાવરણ, અભ્યાસક્રમ, વિવિધ વિભાગો, પ્રયોગશાળાઓ, ગ્રંથાલય તથા સહ-શૈક્ષણિક પ્રવૃત્તિઓથી પરિચિત કરાવવા અને સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓ અંગે માર્ગદર્શન આપવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનો પ્રારંભ આચાર્યશ્રી ડૉ. સંજય શાહ, ઉપાચાર્યશ્રી, વિવિધ વિભાગોના અધ્યક્ષશ્રીઓ, ઉપસ્થિત પ્રાધ્યાપકશ્રીઓ તથા બિન-શૈક્ષણિક કર્મચારીઓની ઉપસ્થિતિમાં પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જાનવી પ્રજાપતિ અને ઝાલા અવનીએ ભાવસભર પ્રાર્થના રજૂ કરી હતી. ત્યારબાદ નવપ્રવેશિત વિદ્યાર્થીઓનું પુષ્પગુચ્છ અર્પણ કરીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આચાર્યશ્રી ડૉ. સંજય શાહે નવપ્રવેશિત વિદ્યાર્થીઓને કોલેજ પરિવારમાં આવકારતાં જણાવ્યું હતું કે પિલવાઈ કોલેજ શિસ્ત, ગુણવત્તાસભર શિક્ષણ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે હંમેશાં પ્રતિબદ્ધ છે. વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓએ જિજ્ઞાસા, સંશોધનવૃત્તિ અને વૈજ્ઞાનિક અભિગમ કેળવવો અત્યંત આવશ્યક છે. તેમણે સંસ્થાના ગૌરવશાળી ઇતિહાસ, શૈક્ષણિક પરંપરા તથા ઉપલબ્ધ શૈક્ષણિક સુવિધાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
આ પ્રસંગે વિવિધ પ્રાધ્યાપકશ્રીઓ દ્વારા વિદ્યાર્થીઓને સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓ અને સુવિધાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ડૉ. આર. જી. પરમારે સંસ્થાનો પરિચય આપતાં સંસ્થાના ગૌરવશાળી ઇતિહાસ, શૈક્ષણિક પરંપરા તથા ઉપલબ્ધ ભૌતિક સુવિધાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને સંસ્થાની સુવિધાઓનો મહત્તમ ઉપયોગ કરી જ્ઞાન અને વ્યક્તિત્વ વિકાસના માર્ગે આગળ વધવા પ્રેરિત કર્યા હતા.
ડૉ. શૈલેષ આર. સુથારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020)ના મુખ્ય પાસાઓ, તેના અમલીકરણ તથા ફિનિશિંગ સ્કૂલના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને કૌશલ્ય વિકાસ, વ્યક્તિત્વ નિર્માણ અને રોજગારલક્ષી અભિગમ વિકસાવવા પ્રેરણા આપી હતી.
ડૉ. વિરલ બી. મોદીએ NSS, NCC, રમત-ગમત તથા અન્ય વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સેવા, નેતૃત્વ ગુણો તથા શારીરિક અને માનસિક વિકાસ માટે આ પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા હતા.
ડૉ. સ્વાતિ એસ. શર્માએ શિષ્યવૃત્તિ, જ્ઞાનોત્સવ, વાર્ષિકોત્સવ તથા યુનિવર્સિટી પરીક્ષાનાં પરિણામો અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રગતિ સાથે સંસ્થાની વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓમાં જોડાવા પ્રેરિત કર્યા હતા.
ડૉ. વિલાસ પરમારે ઇનોવેશન ક્લબ અને SSIP (Student Startup and Innovation Policy) અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓમાં નવીન વિચારસરણી, સર્જનાત્મકતા અને ઉદ્યોગસાહસિકતાના વિકાસ માટે ઉપલબ્ધ તકો અંગે સમજણ આપી હતી.
ડૉ. જી. આર. જાની દ્વારા વિદ્યાર્થીઓને સમયપાલન અને શિસ્તનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. તેમણે જિજ્ઞાસા અને સંશોધનવૃત્તિ કેળવવાની આવશ્યકતા તથા ગુરુજનોના માર્ગદર્શનનું જીવનમાં રહેલું મહત્વ સમજાવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને નિયમિત અભ્યાસ, નવીન વિચારસરણી અને જ્ઞાનપ્રાપ્તિની ભાવના સાથે ઉચ્ચ લક્ષ્યો પ્રાપ્ત કરવા પ્રેરિત કર્યા હતા.
કાર્યક્રમના અંતે મેથેમેટિક્સ વિભાગના અધ્યક્ષ ડૉ. નીલાબેન પટેલે સંસ્થાના ટ્રસ્ટીમંડળ, આચાર્યશ્રી, ઉપાચાર્યશ્રી, તમામ શૈક્ષણિક તથા બિન-શૈક્ષણિક કર્મચારીઓ અને ઉપસ્થિત વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન બોટની વિભાગના અધ્યક્ષ ડૉ. એચ. એમ. અંટ દ્વારા કરવામાં આવ્યું હતું.
અંતે રાષ્ટ્રગાન સાથે આવકાર સમારોહનું સફળતાપૂર્વક સમાપન કરવામાં આવ્યું હતું.
ડૉ. સંજય શાહ
આચાર્ય