24/08/2026
*કે.ડી.પોલિટેકનિકના સિવિલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ રાણીની વાવ અને સહસ્ત્રલિંગ તળાવની શૈક્ષણિક મુલાકાત લઈ હેરિટેજ કન્ઝર્વેશન અને પ્રાચીન જળવ્યવસ્થાપનનું પ્રત્યક્ષ જ્ઞાન મેળવ્યું*
પાટણ, તા. 21 ઓગસ્ટ 2026: કેડી પોલિટેકનિકના સિવિલ એન્જિનિયરિંગ વિભાગના છઠ્ઠા સેમેસ્ટરના વિદ્યાર્થીઓને “Maintenance and Rehabilitation of Structures” વિષયના અભ્યાસક્રમ અંતર્ગત પાટણની ઐતિહાસિક રાણીની વાવ અને સહસ્ત્રલિંગ તળાવની શૈક્ષણિક મુલાકાત કરાવવામાં આવી હતી.
આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓ સાથે પ્રોફેસર હિમાલય એસ. પંચાલ, પ્રો. પંકિતકુમાર પી. પ્રજાપતિ અને પ્રો. ભાર્ગવકુમાર એમ. મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. મુલાકાતનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને પ્રાચીન ઐતિહાસિક અને વારસાગત બાંધકામોની જાળવણી, સમારકામ તથા પુનઃસ્થાપન (Conservation & Rehabilitation) અંગે પ્રત્યક્ષ અને વ્યવહારુ જ્ઞાન આપવાનો હતો.
રાણીની વાવ ખાતે *આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (ASI)*ના સિનિયર કન્ઝર્વેશન આસિસ્ટન્ટ શ્રી અમિતકુમાર યાદવ સાહેબે વિદ્યાર્થીઓને વારસાગત બાંધકામોના Maintenance, Repair અને Conservation અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે પ્રાચીન પથ્થરની રચનાઓમાં સમયાંતરે થતી નુકસાની, તેની ઓળખ, જરૂરી સમારકામ તથા મૂળ સ્થાપત્ય અને ઐતિહાસિક મહત્વ જળવાઈ રહે તે રીતે કરવામાં આવતી સંરક્ષણની વિવિધ પદ્ધતિઓ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા.
તદુપરાંત, પ્રોફેસર પંકિતકુમાર પી. પ્રજાપતિએ સહસ્ત્રલિંગ તળાવ અને રાણીની વાવને વોટર કન્ઝર્વેશન તથા ગ્રાઉન્ડવોટર રિચાર્જના ઉત્તમ ઐતિહાસિક નમૂનાઓ તરીકે સમજાવી વિદ્યાર્થીઓને સિવિલ એન્જિનિયરિંગના દૃષ્ટિકોણથી માર્ગદર્શન આપ્યું હતું. પ્રાચીન સમયમાં જળસંચય, ભૂગર્ભજળના સંરક્ષણ અને પાણીના વ્યવસ્થિત ઉપયોગ માટે વિકસાવવામાં આવેલી આ અદભુત રચનાઓમાંથી આજના સમયમાં પણ ઘણું શીખી શકાય છે તે અંગે વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓએ રાણીની વાવના અદભુત સ્થાપત્ય, પથ્થરની કોતરણી, માળખાકીય રચના તેમજ સહસ્ત્રલિંગ તળાવની જળવ્યવસ્થાપન પ્રણાલીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. વર્ગખંડમાં મેળવેલા સૈદ્ધાંતિક જ્ઞાનને ઐતિહાસિક બાંધકામોના પ્રત્યક્ષ અભ્યાસ સાથે જોડતી આ મુલાકાત વિદ્યાર્થીઓ માટે અત્યંત જ્ઞાનવર્ધક અને ઉપયોગી સાબિત થઈ હતી.
આ પ્રકારની Site Visit દ્વારા વિદ્યાર્થીઓમાં પ્રાચીન ભારતીય ઇજનેરી કૌશલ્ય, વારસાગત બાંધકામોના સંરક્ષણ તથા આધુનિક સિવિલ એન્જિનિયરિંગમાં તેના ઉપયોગ અંગેની સમજ વિકસે છે, જે તેમના વ્યવહારુ અને વ્યાવસાયિક જ્ઞાનમાં મહત્વપૂર્ણ ઉમેરો કરે છે.
— કેડી પોલિટેકનિક, સિવિલ એન્જિનિયરિંગ વિભાગ