31/07/2025
"જનસેવા એ જ પ્રભુસેવા".
આ ઉક્તિ દરેક ધર્મના મૌલિક સિદ્ધાંતોમાં મુખ્યરૂપે કંડારાયેલી છે. "લોકોની સેવા કરો અને એમાં જ ઈશ્વરના દર્શન કરો". આવી જ પ્રેરણાને હૃદયમાં પ્રગટાવી 16 મી સદીની આસપાસ ખ્રિસ્તી ધર્મમાં એક પ્રખ્યાત અને મહાન સંત થઈ ગયા. અને એ સંત હતા સંત ઈગ્નાસ. 31મી જુલાઈ, સંત ઈગ્નાશનો તહેવાર સમગ્ર વિશ્વમાં અને ભારતમાં ઉત્સાહપૂર્વક અને પવિત્રતાથી ઉજવવામાં આવે છે. સંત ઈગ્નાસ પોતે એક સૈનિક હતા, યુદ્ધ દરમિયાન તેઓ ઘવાયા, ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા અને તાત્કાલિક હોસ્પિટલમાં તેઓને દાખલ કરવા પડ્યા. લાંબો સમય આરામ કરવાનો હતો, હવે સમય કેવી રીતે પસાર કરવો ? તેથી પોતાનો સમય વ્યતીત થાય તે માટે તેઓએ પુસ્તકો વાંચવાનું વિચાર્યું. તેમને હોસ્પિટલમાં જે બે પુસ્તકો મળ્યા એમાંથી એક પુસ્તક હતું 'ઈસુનું જીવન ચરિત્ર'. આ પુસ્તક જ્યારે તેમણે વાંચ્યું ત્યારે તેમના જીવનમાં જબરદસ્ત બદલાવ અને પરિવર્તન આવી જાય છે. અને આ જ તેમના જીવનનો ટર્નિંગ પોઈન્ટ બની જાય છે. જે વ્યક્તિના હાથમાં હંમેશા શસ્ત્રો રહેતા હતા, હંમેશા તેમને જીતની તીવ્ર ઝંખના રહેતી હતી, અત્યારે તે વ્યક્તિ શાસ્ત્રોનું શરણું લઈ લે છે. અને લોકોની સેવા કરવા માટે નીકળી પડે છે. તેમનું એક વાક્ય હંમેશા લોકો યાદ રાખે છે અને તે આ પ્રમાણે છે કે " માણસ આખું જગત જીતે પરંતુ પોતાનો આત્મા કોઈ બેસે એમાં એને લાભ શો"... હોસ્પિટલમાંથી સાજા થયા બાદ તેઓ હવે નીકળી પડે છે પોતાનું જીવન ઈશ્વર સેવામાં સમર્પિત કરી દેવા અને ઈશ્વરમય બની જવા. ઈશ્વરના અધિક મહિમાના અર્થે પોતાનો ઘર સંસાર છોડીને તેઓ ઈશ્વરના માર્ગે નીકળી પડે છે, ઈશ્વરનો સંદેશો લોકો સુધી પહોંચાડવા માટે.. તેમણે પોતાના કાર્યની સુવાસ ઘણી બધી જગ્યાએ ફેલાવી, લોકોની સેવા ઘણી બધી જગ્યાએ કરી, અને તે દ્વારા જ લોકોને ઈશ્વરને પામવાનો સાચો માર્ગ બતાવ્યો, આ બધા મહામૂલા કાર્યોથી તેઓ સમય જતા એક સંત તરીકેની ખ્યાતિ પામ્યા. સંત બન્યા પછી પણ તેમનું કાર્ય ઓછું થયું નથી. પરંતુ આગળ જતા તેમણે ઈસુસંઘ નામની સંસ્થાની સ્થાપના કરી. આ એ જ ઈસુસંઘ કે જે અત્યારે હાલના સમયમાં સમગ્ર ભારતમાં અને સમગ્ર વિશ્વમાં પોતાની અવિરત સેવાઓ શિક્ષણ, આરોગ્ય, સેવા એવા ઘણા બધા ક્ષેત્રોમાં ખૂબ જ ઉત્તમ રીતે નિ:સ્વાર્થ ભાવે સેવા બજાવી રહી છે. ઈસુસંઘના જે પણ મૂલ્યો અને સિદ્ધાંતો છે તેને પ્રસ્થાપિત કરવા ઘણા બધા કાર્યરત પુરોહિતો તેને પોતાની અમૂલ્ય સેવાઓ દ્વારા અવિરતપણે આજદિન સુધી બજાવી રહ્યા છે. આવા જ મહાન સંતની યાદમાં આજે અમારી શાળામાં તેમના તહેવારની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી.. શરૂઆતમાં સુંદર પ્રાર્થના દ્વારા કાર્યક્રમની શરૂઆત થઈ. ત્યારબાદ ઈસુસંઘમાં કાર્યરત એવા સર્વ પુરોહિતોને આવકારવામાં આવ્યા, તેમનું ઉષ્માભેર સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ સંત ઈગ્નાશની છબીને સંસ્થાના મેનેજરશ્રી પૂજ્ય ફાધર હેમંત દ્વારા પુષ્પ માળા પહેરાવીને તેમની પ્રત્યે પોતાનો સ્તુતિભાવ પ્રગટ કર્યો. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે નગરા હીલિંગ સેન્ટરમાં અધ્યાત્મિક સેવાઓ બજાવનાર એવા પૂજ્ય ફાધર સંજય અમારી શાળામાં પધાર્યા હતા.. તેઓએ પણ પોતાના પાવન મુખે બાળકોને સંત ઇગ્નાશના જીવનના માધ્યમ દ્વારા પોતાના જીવનમાં પ્રગતિ કરવી હોય કઈ બાબતોને ધ્યાનમાં રાખવી ? જીવનમાં આગળ વધવું હોય તો કેવા કેવા પ્રયત્નો કરવા જોઈએ ? પોતાનો ધ્યેય કેવી રીતે પ્રાપ્ત કરવો ? તે અંગે ફાધરે સુંદર માહિતી વિવિધ ઉદાહરણો દ્વારા અમારા બાળકોને આપી હતી. સાથે સાથે શ્રી પ્રિતેશસાહેબે પણ પોતાના વ્યક્તવ્ય દ્વારા બાળકોને સંત ઈગ્નાશના જીવનની ઝાંખી કરાવી હતી. ત્યારબાદ પૂજ્ય સિસ્ટર ઈન્દિરા અને તેમની ટીમે સંત ઈગ્નાશનું સુંદર ગીત રજૂ કરીને તેમની પ્રત્યે આદરભાવ રજૂ કર્યો હતો. સાથે-સાથે શાળામાં સંત ઈગ્નાશના જીવનચરિત્ર બાબતે ચિત્રસ્પર્ધાનું આયોજન રાખવામાં આવ્યું હતું, અને તેમાં જે પણ વિદ્યાર્થીઓએ પહેલો, બીજો અને ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો હતો તેઓને પૂજ્ય ફાધર પાક્યમ દ્વારા નાનકડી સુંદર ભેટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી વિપુલસાહેબ દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું. છેલ્લે શાળાના આચાર્યશ્રી પૂજ્ય ફાધર પાક્યમે આ તહેવાર નિમિત્તે સર્વ બાળકોને આશિષ વચનો પાઠવીને સૌ બાળકો અભ્યાસમાં આગળ વધે તે બાબતે પણ આશીર્વાદ આપ્યા હતા. અંતમાં પૂજ્ય ફાધર પાક્યમ દ્વારા સર્વ બાળકોને લાડુ આપીને મોં મીઠું કરાવવામાં આવ્યું હતું.. છેલ્લે મારે એટલું જ કહેવું છે કે જો નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરીશું તો એ ઈશ્વરને પામવા માટેની એક અદભૂત અને અમૂલ્ય ચાવી છે.
આભાર.... સંત ઈગ્નાશની જય હો
વિપુલ એસ પરમાર.
🙏🙏🙏🙏