Rajesh Patel Primary Teacher

Rajesh Patel Primary Teacher EDUCATIONAL FUN

21/03/2026

*મજાના શબ્દો - ૧*
…………………
*મજા*
…………………

*મજા* શબ્દ ગુજરાતી બોલચાલનો એવો મીઠો શબ્દ છે કે સાંભળતાં જ આપણા ચહેરા પર સ્મિત આવી જાય.

વ્યાકરણની રીતે *મજા* ભાવવાચક સંજ્ઞા છે અને તેનો મૂળ સ્રોત ફારસી ભાષાનો - मज़ा - શબ્દ છે, પરંતુ ગુજરાતી ભાષાએ તેને એટલો આત્મસાત્ કર્યો છે કે હવે તો એ મૂળ ગુજરાતી શબ્દ જ લાગે છે.

*मज़ा* નો મૂળ ફારસી ભાષાનો અર્થ આનંદ, સ્વાદ, મનોરંજન કે લહાવો છે.

આજે તો રમવાની ખૂબ મજા પડી, બાગમાં ફરવાની બહુ મજા આવી, મઠને છાંયડે મજા કરવી, છે ને મજેદાર વાત — આવા અનેક શબ્દપ્રયોગોમાં *મજા* શબ્દ જીવંત બનીને વાક્યને હળવાશ અને ચેતનાપૂર્ણ ભાવ આપે છે.

વ્યાકરણની દૃષ્ટિએ પણ મજા શબ્દ રસપ્રદ છે. તે સ્ત્રીલિંગ હોવાથી - ઘણી મજા આવી - એમ કહીએ છીએ. જોકે, હિંદીમાં તે પુલ્લિંગ ગણાય છે.

*મજા* માટેના સમાનાર્થી શબ્દો પણ ઘણા મજેદાર છે; જેમ કે,
મજા, મઝા, મજો, મઝો, મજાદારી, મઝાદારી, મજેદારી અને મઝેદારી.

મજાનું માટે પણ ઘણા શબ્દો છે; જેમ કે, મજાનું, મઝાનું, મજેનું, મઝેનું, મજેદાર અને મઝેદાર.

મજા પરથી મજાક કે મજાકી જેવા શબ્દો પણ બન્યા છે, જે બતાવે છે કે આ શબ્દ કેટલો ઉપજાઉ છે.

ટૂંકમાં કહીએ તો — ગુજરાતી ભાષામાં જ્યાં હળવાશ, રમૂજ અને ક્ષણિક આનંદની વાત આવે, ત્યાં *મજા* શબ્દ વગર વાતમાં મજા જ ન આવે! સાચી વાત છે ને!

*સાચું કહેજો - મજા શબ્દ વિશે ઘણું નવું જાણવા મળ્યું ને! સાચે જ, મજા આવી ને!*

*લેખન*
•••••••••••
રાજેશ પટેલ
રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક ૨૦૨૨
મેતપુર પ્રાથમિક શાળા
તા. ખંભાત જિ. આણંદ
મો. ૯૬૨૪૨૫૯૨૦૦

11/03/2026

*શરીરનાં અંગો 😗
*તત્સમ અને તદ્ભવ શબ્દો*
…………………………………
૧) कर्ण (કર્ણ) – કાન
૨) नासिका (નાસિકા) – નાક
૩) हस्त (હસ્ત) – હાથ
૪) पाद (પાદ) – પગ
૫) दन्त (દંત) – દાંત
૬) नयन (નયન) – નેણ
૭) अक्षि (અક્ષિ) – આંખ
૮) मस्तक (મસ્તક) – માથું
૯) शीर्ष (શીર્ષ) – શીશ
૧૦) जिह्वा (જિહ્વા) – જીભ
૧૧) ओष्ठ (ઓષ્ઠ) – હોઠ
૧૨) अधर (અધર) – ઓઠ
૧૩) ग्रीवा (ગ્રીવા) – ગરદન
૧૪) मुख (મુખ) – મોં
૧૫) अंगुली (અંગુલી) – આંગળી
૧૬) कूर्पर (કૂર્પર) – કોણી
૧૭) फुफ्फुस (ફુપ્ફુસ) – ફેફસું
૧૮) पृष्ठ (પૃષ્ઠ) – પીઠ
૧૯) जंघा (જંઘા) – જાંઘ
૨૦) अंगुष्ठ (અંગુષ્ઠ) – અંગૂઠો

*સંકલન*
•••••••••••
રાજેશ પટેલ
રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક ૨૦૨૨
મેતપુર પ્રાથમિક શાળા
તા. ખંભાત જિ. આણંદ
મો. ૯૬૨૪૨૫૯૨૦૦

06/03/2026

*કેટલાક જાણીતા*
*તત્સમ અને તદ્ભવ શબ્દો*
………………………….

૧) अग्नि (અગ્નિ) – આગ
૨) दुग्ध (દુગ્ધ) – દૂધ
૩) गृह (ગૃહ) – ઘર
૪) क्षेत्र (ક્ષેત્ર) – ખેતર
૫) शत (શત) – સો
૬) सप्त (સપ્ત) – સાત
૭) अष्ट (અષ્ટ) – આઠ
૮) पञ्च (પંચ) – પાંચ
૯) षट् (ષટ્) – છ
૧૦) सूर्य (સૂર્ય) – સૂરજ
૧૧) चन्द्र (ચંદ્ર) – ચાંદો
૧૨) विद्युत् (વિદ્યુત્) – વીજળી
૧૩) वर्षा (વર્ષા) – વરસાદ
૧૪) बीज (બીજ) – બી
૧૫) कूप (કૂપ) – કૂવો
૧૬) लोह (લોહ) – લોઢું
૧૭) धूलि (ધૂલિ) – ધૂળ
૧૮) ज्ञान (જ્ઞાન) – જાણ
૧૯) सर्प (સર્પ) – સાપ
૨૦) अर्ध (અર્ધ) – અડધું
૨૧) उष्ण (ઉષ્ણ) – ઉનું
૨૨) तिल (તિલ) – તલ
૨૩) कपाट (કપાટ) – કબાટ
૨૪) ग्राम (ગ્રામ) – ગામ
૨૫) मार्ग (માર્ગ) – મારગ
૨૬) द्वार (દ્વાર) – બાર (બારણું)
૨૭) शर्करा (શર્કરા) – સાકર
૨૮) क्षीर (ક્ષીર) – ખીર
૨૯) सूत्र (સૂત્ર) – સૂતર
૩૦) रात्रि (રાત્રિ) – રાત
૩૧) शून्य (શૂન્ય) – શૂન
૩૨) नलिका (નલિકા) – નળી
૩૩) भक्त (ભક્ત) – ભગત
૩૪) पक्षी (પક્ષી) – પંખી
૩૫) मृत्तिका (મૃત્તિકા) – માટી
૩૬) ताम्र (તામ્ર) – તાંબું
૩૭) सुवर्ण (સુવર્ણ) – સોનું
૩૮) धान्य (ધાન્ય) – ધાન
૩૯) कन्द (કંદ) – કાંદો
૪૦) पल्लव (પલ્લવ) – પાંદડું
૪૧) कर्पास (કર્પાસ) – કપાસ
૪૨) काष्ठ (કાષ્ઠ) – કાઠી
૪૩) पत्र (પત્ર) – પાન
૪૪) लवण (લવણ) – લૂણ
૪૫) अर्जुन (અર્જુન) – અરજણ
૪૬) कृष्ण (કૃષ્ણ) – કરસન
૪૭) लक्ष्मण (લક્ષ્મણ) – લખમણ
૪૮) लक्ष्मी (લક્ષ્મી) – લખમી
૪૯) नारायण (નારાયણ) - નારણ
૫૦) पुरुषोत्तम (પુરુષોત્તમ) – પરસોત્તમ
૫૧) वायु (વાયુ) – વાયરો
૫૨) मेघ (મેઘ) – મેહ
૫૩) अन्धकार (અંધકાર) – અંધારું
૫૪) आकाश (આકાશ) – આભ
૫૫) पर्वत (પર્વત) – પરબત
૫૬) धरित्री (ધરિત્રી) – ધરતી
૫૭) प्रभात (પ્રભાત) – પરભાત
૫૮) सन्ध्या (સંધ્યા) – સાંજ

*સંકલન*
••••••••••••••
રાજેશ પટેલ
રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક ૨૦૨૨
મેતપુર પ્રાથમિક શાળા
તા. ખંભાત જિ. આણંદ
મો. ૯૬૨૪૨૫૯૨૦૦

01/03/2026

*ભાષા અને શબ્દસમૃદ્ધિ*
……………………………….

કોઈ પણ ભાષાની સમૃદ્ધિ તેના શબ્દોની સંખ્યાને આધારે જાણી શકાય છે. સમૃદ્ધ ભાષાઓમાં શબ્દોની સંખ્યા ઘણી વધારે હોય છે. વળી, એક જ અર્થ માટે અનેક શબ્દો મળે છે, તો એક જ શબ્દના અનેક અર્થ પણ મળે છે. આ બાબતે સંસ્કૃત ભાષા ઘણી સમૃધ્ધ ભાષા છે. સંસ્કૃત ભાષામાં મૂળ શબ્દોને વિવિધ પ્રત્યય કે પૂર્વગ લગાવી જુદાજુદા અર્થ ધરાવતા શબ્દોનું નિર્માણ કરવામાં આવે છે. આ રીતે બનતા શબ્દો મૂળ અર્થના આધારે જુદો અર્થ દર્શાવતા હોય છે. ગુજરાતી ભાષા મૂળે સંસ્કૃત કુળની ભાષા હોવાથી સંસ્કૃત ભાષાના અનેક શબ્દોને તે જ સ્વરૂપે ગુજરાતી ભાષામાં (તત્સમ શબ્દો તરીકે) સ્વીકારવામાં આવ્યા છે; જેમ કે, પાણી માટે સંસ્કૃતમાં જલ, નીર, વારિ, અંબુ, તોય જેવા શબ્દો વપરાય છે. આ શબ્દોને વિવિધ પ્રત્યય લગાવતાં જુદાજુદા અર્થ ધરાવતા શબ્દો બને છે; જેમ કે,

*૧) પ્રત્યય :- જ*
અર્થ : જન્મેલ/જન્મનાર

*જ* પ્રત્યય લગાવતાં જલજ, નીરજ, વારિજ, અંબુજ અને તોયજ શબ્દો બને છે, જેમનો અર્થ પાણીમાં જન્મનાર કે જન્મેલું - *કમળ* થાય છે.

*૨) પ્રત્યય :- દ*
અર્થ : દેનાર

*દ* પ્રત્યય લગાવતાં જલદ, નીરદ, વારિદ, અંબુદ અને તોયદ શબ્દો બને છે, જેમનો અર્થ પાણી દેનાર/આપનાર - *વાદળ* થાય છે.

*૩) પ્રત્યય :- ધિ*
અર્થ : ભંડાર

*ધિ* પ્રત્યય લગાવતાં જલધિ, નીરધિ, વારિધિ, અંબુધિ અને તોયધિ શબ્દો બને છે, જેમનો અર્થ પાણીનો ભંડાર/પાણી ધારણ કરનાર - *સમુદ્ર* થાય છે.

ઉદ શબ્દનો અર્થ પણ પાણી થતો હોવાથી ઉદધિનો અર્થ પણ *સમુદ્ર* થાય છે.

*૪) પ્રત્યય :- જા*
અર્થ : જન્મેલ

*જા* પ્રત્યય લગાવતાં જલજા, વારિજા અને અંબુજા શબ્દો બને છે, જેમનો અર્થ પાણીમાં જન્મેલ - *લક્ષ્મી* થાય છે, કારણ કે પુરાણ અનુસાર લક્ષ્મીજીનો જન્મ સમુદ્રમંથન સમયે સમુદ્રના પાણીમાંથી થયો હોવાનું મનાય છે.

*૫) પ્રત્યય :- નિધિ*
અર્થ : ભંડાર/ખજાનો

*નિધિ* પ્રત્યય લગાવતાં જલનિધિ, તોયનિધિ, વારિનિધિ અને અંબુનિધિ શબ્દો બને છે, જેમનો અર્થ પાણીનો ભંડાર - *સમુદ્ર* થાય છે.

*૬) પ્રત્યય :- ધર*
અર્થ : ધારણ કરનાર

*ધર* પ્રત્યય લગાવતાં જલધર, તોયધર, વારિધર અને અંબુધર શબ્દો બને છે, જેમનો અર્થ પાણી ધારણ કરનાર - *વાદળ* થાય છે.

આ ઉપરાંત આ શબ્દોના બીજા કેટલાક અર્થ પણ થાય છે; જેમ કે,

*જલજ* શબ્દનો મૂળ અર્થ પાણીમાં જન્મનાર/જન્મેલું થતો હોવાથી પાણીમાં ઉત્પન્ન થનાર મોતી, વાદળ, શંખ, મીઠું, શેવાળ, જલજંતુ, માછલી વગેરે માટે પણ જલજ શબ્દ વપરાય છે.
પુરાણ અનુસાર ચંદ્રનો જન્મ પણ સમુદ્રમંથન સમયે સમુદ્રના પાણીમાંથી થયો હોવાનું મનાય છે, માટે ચંદ્ર માટે પણ જલજ શબ્દ વપરાય છે.

*જલધર* શબ્દનો અર્થ પાણી ધારણ કરનાર - સમુદ્ર પણ થાય છે.

*જલધિજ* શબ્દનો અર્થ સમુદ્રમાં જન્મનાર – ચંદ્ર થાય છે.

*જલસુત* શબ્દનો અર્થ પાણીનો રાજા કે પુત્ર – કમળ થાય છે.

*જલાશય* શબ્દનો અર્થ પાણીનું સ્થાન કે સ્થળ – કૂવો, તળાવ, નદી, સમુદ્ર વગેરે થાય છે.

*અંબુધિ* શબ્દનો અર્થ પાણી ધારણ કરનાર - ઘડો કે પાણી ભરવાનું વાસણ પણ થાય છે.

*અંબુજ* શબ્દનો અર્થ પાણીમાં જન્મનાર – ચંદ્ર કે શંખ પણ થાય છે.

*અંબુરાશિ* શબ્દનો અર્થ સમુદ્ર થાય છે.

*અંબુરૂહ* શબ્દનો અર્થ કમળ થાય છે.

*અંબુવાહ* શબ્દનો અર્થ પાણી ધારણ કરનાર - વાદળ કે સરોવર થાય છે.

*વારિવાહ* શબ્દનો અર્થ પાણી ધારણ કરનાર - વાદળ થાય છે.

*નીરશાયી* શબ્દનો અર્થ સમુદ્ર પર સૂનાર – વિષ્ણુ થાય છે.

આમ, એક જ શબ્દ પરથી અનેક શબ્દો નિર્માણ કરવાની બાબતમાં સંસ્કૃત ભાષા અનન્ય છે.

*લેખન*
•••••••••••
રાજેશ પટેલ
રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક ૨૦૨૨
મેતપુર પ્રાથમિક શાળા
તા. ખંભાત જિ. આણંદ
મો. ૯૬૨૪૨૫૯૨૦૦

13/02/2026

*બાવન અક્ષરની ચોપડી*
●●●●●●●●●●●●●

'બાવન બહારની વાત' - આવો શબ્દપ્રયોગ અનેક ભજનોમાં થયો છે. બાવન એટલે બાવન અક્ષર. જે બાવન અક્ષરના ઉપયોગ થકી વર્ણવી ન શકાય, આલેખી ન શકાય એવી વાત. આ બાવન અક્ષર કયા કયા? એ અંગે કૂતુહલ રહ્યા કરતું હતું, જેનો તાળો આખરે મળ્યો ખરો!

★ *પચીસ સ્પર્શ વ્યંજન -*
* ક્, ખ્, ગ્, ઘ્, ઙ્
* ચ્, છ્, જ્, ઝ્, ઞ્
* ટ્, ઠ્, ડ્, ઢ્, ણ્
* ત્, થ્, દ્, ધ્, ન્
* પ્, ફ્, બ્, ભ્, મ્

★ *ચાર અર્ધ સ્વર -*
ય્, ર્, લ્, વ્

★ *ત્રણ ઉષ્માક્ષર -*
શ્, ષ્, સ્

★ *એક મહાપ્રાણ -*
હ્

★ *એક પાર્શ્વિક ધ્વનિ -*
ળ્

★ *બે જોડાક્ષર -*
ક્ષ, જ્ઞ
( આ બંને જોડાક્ષરોને મૂળાક્ષર તરીકે વર્ણમાલામાં સમાવેશ અંગે પણ માન્યામાં આવે એવો ખુલાસો છે. 'ક્ + ષ = ક્ષ.' આમાં 'ષ' ગુજરાતીમાંથી લુપ્ત થવાના આરે છે. જોશી-જોષી, વિશે-વિષે, કોશ-કોષ જેવા ઘણા શબ્દોમાં 'ષ'ને બદલે 'શ' પ્રયોજી શકાય છે.
તેવી જ રીતે, 'જ્ + ઞ = જ્ઞ.' આમાં 'ઞ' તો ગુજરાતીમાં પ્રયોજાતો નથી. એટલે આ બંને જોડાક્ષર હોવા છતાં તેનો ગુજરાતી વર્ણમાળામાં અક્ષર તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.)

◆ *સોળ સ્વર -*
અ, આ, ઇ, ઈ, ઉ, ઊ, ઋ, દીર્ઘ ઋ, लृ, દીર્ઘ लृ, એ, ઐ, ઓ, ઔ, અં, અઃ
(આમાં 'અં અને અઃ' સ્વર નથી પણ સ્વરાશ્રિત છે. અનુસ્વાર અને વિસર્ગ સ્વર વિના ન આવી શકે. વ્યંજનમાં સ્વર પાછળ જોડાય છે, જ્યારે અહીં સ્વર પહેલા આવે છે અને વિસર્ગ તેમજ અનુસ્વાર પછી આવે છે એટલે પણ સ્વર ન હોવા છતાં એ બંનેને સ્વરની સાથે ગોઠવવામાં આવ્યા છે.)

દીર્ઘ ઋ, लृ અને દીર્ઘ लृ પણ ગુજરાતીમાંથી લુપ્ત થયા છે.

*સંકલન-મંગલપંથી
(સ્રોત - જોડાક્ષર વિચાર
લેખક - પૂ. મુનિરાજશ્રી હિતવિજયજી મહારાજ)

13/02/2026

*સંજ્ઞા અને તેના પ્રકારો – ૧૭*
………………………………….

*(૭) ભાવવાચક સંજ્ઞા*

- અમૂર્ત બાબતોને દર્શાવનારી સંજ્ઞાને ભાવવાચક સંજ્ઞા કહેવાય છે.

- આવી સંજ્ઞાને જોઈ કે સ્પર્શી શકાતી નથી, પણ તેનો કેવળ અનુભવ કરી શકાય છે; જેમ કે, આર્દ્રતા, લાચારી, શરમ, વફાદારી, પીડ, મહેનત, ઘડપણ, અરજ, અહિંસા, સમાનતા, ગુસ્સો, ધર્મ, ફરજ, આશીર્વાદ, માઈલ, સેવા, બોલી, બાળપણ, આઝાદી, શાંતિ, નિષ્ઠા, પ્રણામ, સંઘર્ષ, ક્ષમા, સુંદરતા, માનવતા, કોમળતા, નૃત્ય, ગાયન, મોટાઈ, વધારો, ઘટાડો, ધન્યતા, નવરાશ, બંધન, પરાધીનતા, મણ, કિલોગ્રામ, મહિનો, વાર, શોખ, ઠંડી, જીવન, દિવસ, પ્રામાણિકતા, વિવાહ, જાગૃતિ, ઠપકો, ક્રોધ, મીઠાશ, ભલાઈ, કાળાશ, વિચાર, તહેવાર, ઉત્સાહ, માંદગી, નિષ્ફળતા, હતાશા, માન્યતા, પરિવર્તન, કારકિર્દી, નિદ્રા, આક્રોશ, રાત, અગવડ, સગવડ, સૌંદર્ય, સરળતા, સ્થિરતા, મૂર્ખતા, દિવ્યતા, વૈધવ્ય, ભવ્યતા, ચારુતા, વિવશતા, ટાઢ, શ્રદ્ધા, માતૃત્વ, હૂંફ, ભૂખ, બળ, અભિમાન, ઉત્સાહ, હેત, વૃત્તિ, મોહ, સંતોષ, હિંમત, આશ્ચર્ય, નેહ(સ્નેહ), દોષ, દારિદ્ર, સફળતા, પુણ્ય, પાપ, દર્શન(દરશન) વગેરે.

• ભાવવાચક નામ (સંજ્ઞા) બનાવવા માટે કેટલાક પ્રત્યયોનો ઉપયોગ થાય છે. મોટેભાગે વિશેષણો અને કેટલીક સંજ્ઞાઓને પ્રત્યય લગાડીને ભાવવાચક સંજ્ઞા બનાવવામાં આવે છે. જેમ કે,

*સંજ્ઞા પરથી -*
માણસ - માણસાઈ
બાળક - બાળપણ
મિત્ર - મિત્રતા
વગેરે.

*વિશેષણ પરથી -*
કાળુ - કાળાશ
ગરીબ - ગરીબી; ગરીબાઈ
મોટું - મોટપ, મોટાઈ
વગેરે.

*નોંધ:* અહીં સંજ્ઞાના સાત પ્રકાર દર્શાવ્યા છે, જોકે, ઘણાં ખરાં પુસ્તકોમાં સંજ્ઞાના પાંચ જ પ્રકાર (વ્યક્તિવાચક, જાતિવાચક, સમૂહવાચક, દ્રવ્યવાચક અને ભાવવાચક) દર્શાવવામાં આવે છે. ક્રિયાવાચક સંજ્ઞાનો સમાવેશ ભાવવાચક સંજ્ઞામાં અને કર્તૃવાચક સંજ્ઞાનો સમાવેશ જાતિવાચક સંજ્ઞામાં કરવામાં આવે છે.

*ક્રમશ:*

*આધાર*
•••••••••••
વ્યાકરણ વિહાર

*લેખક અને પ્રકાશક*
•••••••••••
બિપિન પી. ત્રિવેદી
ત્રિવેદી પબ્લિકેશન, ભાવનગર
મો. ૯૬૬૨૯૨૯૩૯૪

*પ્રસ્તુતિ*
•••••••••••
રાજેશ પટેલ
રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક ૨૦૨૨
મેતપુર પ્રાથમિક શાળા
તા. ખંભાત જિ. આણંદ
મો. ૯૬૨૪૨૫૯૨૦૦

13/02/2026

*સંજ્ઞા અને તેના પ્રકારો – ૧૬*
………………………………….

*(૬) કર્તૃવાચક સંજ્ઞા*

• ક્રિયા દ્વારા કર્તાનો બોધ કરાવતી સંજ્ઞાને કર્તૃવાચક સંજ્ઞા કહેવાય છે.
• આ સંજ્ઞામાં રહેલો કર્તા તેની ક્રિયાને કારણે પોતાની ઓળખ પ્રાપ્ત કરે છે.
• કર્તૃવાચક સંજ્ઞાનો સમાવેશ જાતિવાચક સંજ્ઞામાં પણ થાય છે.
જેમ કે, શિક્ષક, સંચાલક, રક્ષક, નર્તક, ચિત્રકાર, ગાયક, નાવિક, ભક્ષક, પ્રેક્ષક, કલાકાર, વાચક, ભાવક, દિગ્દર્શક, લેખક, ગુનેગાર, ભાષક, જાપક, પાથિક, ચર્ચક, કામદાર, શ્રાવક, દર્શક, મુસાફર, કાર્યકર વગેરે.

*ક્રમશ:*

*આધાર*
•••••••••••
વ્યાકરણ વિહાર

*લેખક અને પ્રકાશક*
•••••••••••
બિપિન પી. ત્રિવેદી
ત્રિવેદી પબ્લિકેશન, ભાવનગર
મો. ૯૬૬૨૯૨૯૩૯૪

*પ્રસ્તુતિ*
•••••••••••
રાજેશ પટેલ
રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક ૨૦૨૨
મેતપુર પ્રાથમિક શાળા
તા. ખંભાત જિ. આણંદ
મો. ૯૬૨૪૨૫૯૨૦૦

10/02/2026

*સંજ્ઞા અને તેના પ્રકારો – ૧૫*
………………………………….

*(૫) ક્રિયાવાચક સંજ્ઞા*

- ક્રિયા દર્શાવનાર સંજ્ઞાને ક્રિયાવાચક સંજ્ઞા કહેવાય છે.
- ક્રિયાવાચક સંજ્ઞાઓ સામાન્ય રીતે ક્રિયાપદો પરથી બને છે.

જેમ કે,
રમવું પરથી રમત,
ભણવું પરથી ભણતર

અન્ય ઉદાહરણો

દોડ, ચાલ, દર્શન, બચત, માંગણી, સ્મરણ, વસૂલ, લેખન, મારણ, તાડન, ભાળવણી, ઉઘરાણી, માર, કૂદ, શોષણ, ચણતર, ગણતર, જમણ, શ્રવણ, ભાષણ, ગાયન, વાદન, નડતર, ભ્રમણ, લણણી, સર્જન, વસૂલાત વગેરે.

*ક્રમશ:*

*આધાર*
•••••••••••
વ્યાકરણ વિહાર

*લેખક અને પ્રકાશક*
•••••••••••
બિપિન પી. ત્રિવેદી
ત્રિવેદી પબ્લિકેશન, ભાવનગર
મો. ૯૬૬૨૯૨૯૩૯૪

*પ્રસ્તુતિ*
•••••••••••
રાજેશ પટેલ
રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક ૨૦૨૨
મેતપુર પ્રાથમિક શાળા
તા. ખંભાત જિ. આણંદ
મો. ૯૬૨૪૨૫૯૨૦૦

10/02/2026

*સંજ્ઞા અને તેના પ્રકારો – ૧૪*
………………………………….

*(૪) સમૂહવાચક સંજ્ઞા*

• કોઈપણ વર્ગની વ્યક્તિઓ કે પદાર્થોના સમૂહને દર્શાવનાર સંજ્ઞાને સમૂહવાચક સંજ્ઞા કહેવાય છે.
• આવી સંજ્ઞાઓ સામાન્ય રીતે એકવચનમાં પ્રયોજાય છે;

જેમ કે, થપ્પી, ઝૂંડ, ઝાડી, તારામંડળ, ગોધન, કુળ, પલટણ, કતાર, ટોળું, જૂથ, વર્ગ, સમાજ, સમુદાય, ભંડોળ, ધણ, ઢગલો, ટુકડી, ગણ, ઝૂમખું, પ્રજા, સૈન્ય, સભા, સરઘસ, રેલી, સમિતિ, ફોજ, કાફલો, વણજાર, મેદની, મેળો, ખાડું, ગાંસડી, દળ, હાર, મંડળી, સંઘ, લૂમ, સમુચ્ચય, ભીડ, ટોળી, પૂળો, ભારો, દળકટક, કૅમ્પ, સમૂહ, જમાત, કલાપ, થોકડી, ગોધન, ભારી, અટિંબર, વૃંદ, ભજનમંડળી, કુટુંબ, મંડળ, પલટન, અંબોડો, ઓળ, પંકિત, નિધિ, ઝૂડી, ઝૂમખું, અંબાર, રાશિ, ભંડાર, ટીમ વગેરે.

*ક્રમશ:*

*આધાર*
•••••••••••
વ્યાકરણ વિહાર

*લેખક અને પ્રકાશક*
•••••••••••
બિપિન પી. ત્રિવેદી
ત્રિવેદી પબ્લિકેશન, ભાવનગર
મો. ૯૬૬૨૯૨૯૩૯૪

*પ્રસ્તુતિ*
•••••••••••
રાજેશ પટેલ
રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક ૨૦૨૨
મેતપુર પ્રાથમિક શાળા
તા. ખંભાત જિ. આણંદ
મો. ૯૬૨૪૨૫૯૨૦૦

Address

METPUR PRIMARY SCHOOL
Khambhat
388620

Website

Alerts

Be the first to know and let us send you an email when Rajesh Patel Primary Teacher posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category