12/07/2024
મૈં તેરા હાય જબરા 'FAN' હો ગયા... 😇
એક શિક્ષક તરીકે આપણે વિદ્યાર્થીઓ માટે જેટલો પ્રેમ અને કાળજી રાખતાં હોઈએ તેનાથી અનેકગણી મમતા અને દરકાર તેમને આપણાં માટે હોય છે! તમારી નાની નાની બાબતોની એ સંભાળ રાખે છે. "સાહેબ, કલાક થઈ ગયો તમે પાણી નથી પીધું..." "સાહેબ, ક્યાં સુધી ઊભા ઊભા ભણાવશો? તમે થાકી નથી જતાં? બેસો ને ઘડીકવાર..." "સાહેબ, આજે તમે મૂડમાં નથી, તબિયત સારી નથી કે શું???" કેટકેટલી ચિંતા સાહેબની!
નવા સત્રની શરૂઆતમાં ચોમાસું જ્યારે પોતાની ફરજ ચૂકી વરસવાનું ભૂલી ગયો ત્યારે અફાટ બફારાં વચ્ચે સાહેબને પરસેવાથી નીતરતાં જોઈ વિદ્યાર્થીઓને સાહેબની ચિંતા થવા લાગી. કહ્યું, સાહેબ વર્ગવ્યવસ્થા ફેરવી નાખો. તમને પવન આવે એમ પંખા નીચે તમે ઊભા રહો. અમને પવન નહિ આવે તો ચાલશે.
પરંતુ, પોતે સગવડ વેઠીને વિદ્યાર્થીઓને તકલીફ આપે એવો કયો શિક્ષક હોઈ શકે? બીજું મનમાં એમ પણ ખરું કે વિદ્યાર્થીઓ વસ્તુના અભાવમાં પણ કરકસરથી જીવતાં શીખે. એક મૂલ્યપાઠ એ પણ શીખવી રહ્યો હતો. પણ બીજી બાજુ વિદ્યાર્થીઓ પણ આ સમસ્યાનું નિવારણ લાવવા કટિબદ્ધ હતાં જાણે!
તાબડતોબ એક ઉપાય શોધીને મારી ગેરહાજરીમાં જ એક યોજના ઘડી કાઢી 5-10-20 રૂપિયા એકઠાં કરી ટેબલ ફેન લાવવાનું આયોજન કરી દીધું. સવારે પ્રાર્થના પૂરી કરીને રૂમમાં પ્રવેશું એ પહેલાં જ સરપ્રાઇઝના નાદ સાથે ઠંડી હવાની લહેરખી સ્પર્શી ગઈ. કંઈ સમજણ પડે એ પહેલાં જ સાથીશિક્ષક કુંદનબેન વર્ગમાં પ્રવેશ્યા અને કહ્યું કે, "આ વિદ્યાર્થીઓને તમારાં પ્રત્યે કેટલી લાગણી! ગઈકાલે જ બધાએ ભેગાં મળી નાની અમથી રકમ ભેગી કરીને મને કહ્યું કે, સાહેબ પરસેવે લથબથ થઈને ભણાવે એ અમારાથી જોયું નથી જતું. અમારે સાહેબ માટે પંખો લાવવો છે. એમ કહી મારા ટેબલ પર પૈસાની પોટલી ઠલવી દીધી."
બેનશ્રી સમજી ગયા કે પૈસા ભલે ઓછા છે પણ લાગણીની કિંમત અનેકગણી છે! ભેગી થયેલી રકમ થોડી ઓછી હતી. બહેને સાથીધર્મ નિભાવી એમાં ખૂટતી રકમ જોડી દીધી અને આ અકલ્પનીય, અવિસ્મરણીય ભેટ મળી.
વિદ્યાર્થી પોતાની નાનકડી બચતમાંથી આવો કોઈ ખર્ચ કરે એ સ્વાભાવિકપણે કોઈ પણ શિક્ષકને ન જ ગમે, પણ ઘણી વખત લાગણીને વશ થઈ સ્વીકારી લેવું પડતું હોય છે, હર્ષાશ્રુ સાથે!
વર્ગખંડમાં ભણાવાતો કોઈ પણ મુદ્દો નિરર્થક નથી હોતો.
घर से मस्ज़िद है बहोत दूर चलो यूँ कर ले,
किसी रोते हुए बच्चे को हँसाया जाए!
આ પંક્તિ ભલે નાના બાળકના ચહેરા પર હાસ્ય લાવવાના આશયથી લખાઈ હશે, પણ આ માયાળુ બાળકોએ એને જાણે વધારે પડતી આત્મસાત કરી લીધી! એમાં રહેલો ગૂઢ અર્થ જાણે વિસ્તૃતથી તેમણે સમજી લીધો.
કોઈ વિદ્યાર્થીના માથે પ્રેમથી ફેરવેલો હાથ, તેમની નાનકડી સમસ્યાઓનું એક મોટા ભાઈ તરીકે આપેલું સમાધાન, ક્યારેક તેમનાં અંગત જીવનને રસપૂર્વક સાંભળી તેમનાં દુઃખમાં સહભાગી થવાની બાબત હોય કે મસ્તીમાં તરબોળ થઈ તેમની સાથે ઊજવેલી મધુર ક્ષણો- આ તમામનું જાણે કે એ મધૂરું વળતર હતું!
મૂલ્ય શિક્ષણની એક પરીક્ષા ભૂલકાઓએ આજે સાગમટે જ ઉત્તીર્ણ કરી લીધી!