08/06/2025
શેઠ સી.એન.વિદ્યાવિહારની પ્રથમ શાળા વિદ્યાલય તેની સ્થાપનાના 100માં વર્ષમાં પ્રવેશી રહી છે. સમગ્ર વિદ્યાવિહાર પરિવાર માટે આ એક અતિ ગૌરવપ્રદ પ્રસંગ છે. ઇન્દુમતીબહેન ચીમનલાલ શેઠ અને શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ ટોકરશીએ પ્રથમ શિક્ષકો તરીકે શાળાનો પાયો નાંખ્યો હતો. શાળાએ સમાજને વિવિધ ક્ષેત્રે અનેક આદર્શ નાગરિકો આપ્યા છે જે વિશ્વમાં વિવિધ ક્ષેત્રે ટોચના સ્થાનો પર અગ્રેસર રહીને શાળાનું નામ રોશન કરી રહ્યા છે. અનેક પૂર્વ વિદ્યાર્થીઓ માતૃસંસ્થા સાથે વિવિધ રીતે જોડાઈ પોતાનું વિશિષ્ટ પ્રદાન આપી રહ્યા છે. આજે પણ શાળા ગાંધી વિચારોને અનુસરી, માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ, મૂલ્યનિષ્ઠ કેળવણી, ઉચ્ચ ચારિત્ર્ય ઘડતર અને સર્વાંગી વિકાસના ધ્યેયને જાળવવા સાથે સાંપ્રત પ્રવાહો સાથે તાલ મિલાવી શિક્ષણ જગતમાં અગ્રેસર છે. વિદ્યાલયની શતાબ્દી નિમિત્તે તેની ગૌરવપ્રદ વિકાસયાત્રા અવિરત નવી ઊંચાઈઓ સર કરવા સાથે સમાજને આદર્શ નાગરિકો પ્રદાન કરતી રહે એવી શુભકામનાઓ