22/05/2026
સરકારી પોલિટેકનિક, દાહોદ ખાતે
પોસ્ટર પ્રેઝન્ટેશન અને પ્રદર્શનનું આયોજન કરાયું
યુવાન વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રનિર્માણ અને વિકાસની પ્રક્રિયામાં યોગદાન આપવાની ભાવના વિકસે તે હેતુથી સરકારી પોલિટેકનિક, દાહોદના એપ્લાઇડ સાયન્સ અને હ્યુમેનિટીઝ વિભાગ દ્વારા તા.૧૭/૦૪/૨૦૨૬, શુક્રવારનાં રોજ સંસ્થાના સેમેસ્ટર-૨ નાં વિદ્યાર્થીઓ માટે Contributor Personality Development વિષયના ભાગરૂપે 'જવાબદાર યુવા, જવાબદાર રાષ્ટ્ર’ શીર્ષક હેઠળ પોસ્ટર પ્રેઝન્ટેશન અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં નિર્ણાયકોનો શાબ્દિક પરિચય આપવામાં આવ્યો હતો તથા તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવાં આવ્યું હતું. આ સ્પર્ધામાં કુલ 29 વિદ્યાર્થી જૂથોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાં દરેક જૂથમાં 4 વિદ્યાર્થીઓ સામેલ હતા. વિદ્યાર્થીઓએ ક્રિટિકલ થિંકિંગ, ક્રિએટીવીટી, કોમ્યુનિકેશન, કન્ટ્રીબ્યુશન, અને ચેન્જ-મેકીંગ એમ 5 C નાં અસરકારક સંકલન દ્વારા અંધશ્રદ્ધા, આત્મ-હત્યા, ઈલેક્ટ્રોનિક વેસ્ટ, તમાકુનું વ્યસન, સાયબર ક્રાઈમ, સ્થૂળતા, કોલેજનાં વિદ્યાર્થીઓ દ્વારા અધવચ્ચે છોડી દેવાતો અભ્યાસ, નકારાત્મકતા અને વધારે પડતું વિચારવાની ટેવ, અભ્યાસ માટે વિદ્યાર્થીઓની મોબાઇલ પર વધુ પડતી નિર્ભરતા, ગ્રાહક અધિકારો, પ્રાણી અધિકારો, પ્લાસ્ટિક પ્રદૂષણ, માર્ગ સલામતી, ઊર્જા કટોકટી, ભારતીય યુવા બુદ્ધિ ધનનું બહિર્ગમન, યુવાનોમાં શારીરિક વ્યાયામનો અભાવ, મોબાઇલ વ્યસન, પાણીની અછત, મીડિયા અને ફિલ્મોમાં સ્ત્રીઓનું ચિલાચાલુ, નિમ્ન અને વાંધાજનક ચિત્રણ, ઈજનેરી વિદ્યાર્થીઓમાં સોફ્ટ સ્કીલ્સનો અભાવ, ઘરેલું હિંસા, ક્રોધ નિયંત્રણ, દહેજ પ્રથા, દિકરીઓ અને મહિલાઓની સલામતી, નાણાકીય સાક્ષરતાનો અભાવ, કુપોષણ અને એનીમિયા, વિલંબ વૃત્તિ, જંક-ફૂડ વ્યસન વગેરે જેવાં વિવિધ મહત્વપૂર્ણ અને સામાજિક રીતે પ્રાસંગિક વિષયો પર સુંદર અને અસરકારક પોસ્ટર રજૂ કરીને પ્રેઝન્ટેશન આપ્યું હતું. પ્રસ્તુતિઓમાં વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા, સામાજિક જાગૃતિ અને જવાબદાર નાગરિક તરીકેનો દૃષ્ટિકોણ સ્પષ્ટપણે જોવા મળ્યું હતું.
આ કાર્યક્રમમાં મૂલ્યાંકન કરવાં માટે નિષ્ણાત તરીકે શ્રી પ્રતિક જૈન, પ્રકૃતિ સંવર્ધક તથા ‘ઉડાન ઇન્ડિયા’ સંસ્થાનાં સ્થાપક, ડો. ફાલ્ગુની ગજ્જર, શિક્ષણવિદ તથા લેખક-અનુવાદક, તથા રાજવી કડિયા, યુવા આઈકોન તથા પ્રેરક વક્તા ઉપસ્થિત રહ્યા હતા. નિષ્ણાતોએ વિદ્યાર્થીઓના પ્રયત્નોને બિરદાવતાં જણાવ્યું હતું કે આવી પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓમાં વિચારશક્તિ, સંવાદ કુશળતા અને સામાજિક જવાબદારીના ગુણોને વિકસાવવામાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે. તેમણે વિદ્યાર્થીઓની રજૂઆતો અંગે પોતાના અવલોકનો રજૂ કર્યા હતા અને કેટલાક રચનાત્મક સૂચનો પણ આપ્યા હતા, જેનાથી વિદ્યાર્થીઓને પોતાના પ્રદર્શનને વધુ અસરકારક બનાવવાની દિશા મળી હતી. ત્યારબાદ તેમણે સ્પર્ધાનું પરિણામ જાહેર કર્યું હતું.
કાર્યક્રમનાં અંતે સંસ્થાનાં માનનીય આચાર્ય શ્રીમતી ક્રિશ્ના બી. મહેતાએ સ્વયં ઉપસ્થિત રહીને સ્પર્ધાના ત્રણેય નિર્ણાયકોને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માનિત કર્યા હતા. તેમણે ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને તેમના ઉત્સાહભર્યા પ્રયત્નો માટે અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં પણ આવી રચનાત્મક પ્રવૃત્તિઓમાં સક્રિય રહેવા પ્રોત્સાહિત કર્યા હતા. ડો. પી. વી. સિંહ, એપ્લાઇડ સાયન્સિસ એન્ડ હ્યુમેનિટીઝ વિભાગના કાર્યકારી વડા પણ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સક્રિય યોગદાન આપ્યું હતું.
આ કાર્યક્રમ અને પ્રદર્શનની તમામ ખાતાના વડાશ્રીઓ, અધ્યાપકો તથા વિદ્યાર્થીઓએ મુલાકાત લઈને ભાગ લેનાર વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમ અંગે ખુશી અને સંતોષ વ્યક્ત કર્યો હતો તથા તેમની રજૂઆત અને ભાગીદારી દ્વારા તેમના આત્મવિશ્વાસમાં નોંધપાત્ર વધારો થયો હોવાનું તેમણે જણાવ્યું હતું. સમગ્ર કાર્યક્ર્મનું આયોજન અને સંચાલન એપ્લાઇડ સાયન્સ અને હ્યુમેનિટીઝ વિભાગનાં ડો. યુ. કે. ગણાત્રા, વ્યાખ્યાતા-અંગ્રેજી દ્વારા વિભાગનાં વડા ડો. પી. વી. સિંહ તથા સંસ્થાનાં કાર્યકારી આચાર્યા ક્રિશ્ના મહેતાનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.