31/08/2025
31 ઓગસ્ટ ... ઇન્ટરનેશનલ ઓવરડોઝ અવેરનેસ ડે.
આવા દિવસો ચોક્કસ ઉજવાવા જોઈએ. નવા જમાનામાં, નવી દવાઓ અને નવા વ્યસનોની વચ્ચે રહેતી પ્રજાને અને ખાસ તો નવી પેઢીને આવી દવાઓ કે પદાર્થોના ઓવરડોઝથી ઉભાં થતાં જોખમોથી વાકેફ કરવી જરૂરી હોય છે. અમેરિકા જેવા દેશોમાં દર એક લાખે 200 વ્યક્તિઓ કેવળ દવાઓના ઓવરડોઝને કારણે પ્રતિવર્ષ મૃત્યુ પામે છે. સ્કોટલેન્ડ જેવો નાનકડો દેશ પણ આમાં ખાસ પાછળ નથી. હા, એ દેશોમાં આ સંખ્યાદર ઊંચો હોવાનું મોટું કારણ ઓપિયમ પ્રોડક્ટ્સ (ચરસ, ગાંજો વિગેરે)ની લીગલ છૂટ પણ છે જ.
એક ફાર્માસિસ્ટ તરીકે મને કાયમ એ ગમ્યું છે કે દવાઓ/રોગો/સ્વાસ્થ્ય સંબંધી વાતો કોઈપણ ટેક્નિકલ કે મેડિકલ ગૂંચવણોમાં પડ્યા વગર સરળ ભાષામાં સામાન્ય લોકો સુધી મૂકી શકું! આને હું મારું દાયિત્વ પણ ગણું છું. ફાર્મસી ક્ષેત્રના હોવા ઉપરાંત સોશ્યલ મીડિયાનો બહોળો વપરાશકર્તા હોવાથી આ માધ્યમનો એ દિશામાં ઉપયોગ કરવાનું મને હંમેશા ઉચિત લાગ્યું છે. સપ્ટેમ્બર મહિનાની 25 તારીખે 'વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે' પણ ઉજવાશે.
ચાલો, આજે થોડીક બહુ જ સામાન્ય બાબતો દવાઓ વિશે સમજીએ...
🏵️ ક્યારેય કોઈ દવાને અડધી કે બમણી લેવાની ટેવ ન રાખવી. આપણે ઘણીવાર આ ભૂલ કરતા હોઈએ છીએ. મેં ઘણાં એવાં લોકો જોયા છે જે ઓછો દુખાવો/તાવ હોય ત્યારે દવાની અડધી ગોળી લેતા હોય અથવા તો વધુ દુખાવો/તાવમાં બમણો ડોઝ લઇ લેતા હોય. આ ભૂલ ક્યારેય ન કરવી. કોઈપણ દવાની અસર એનાં લોહીમાં રહેલ પ્રમાણ પર આધારિત હોય છે. આપણે જયારે કોઈ દવા ગળા નીચે ઉતારીએ છીએ ત્યારે એ પાચનમાર્ગમાંથી શોષાઈને આસપાસની લોહીની નળીઓમાં પહોંચીને શરીરમાં ફરે છે. આવી દવા લોહીમાં અમુક ચોક્કસ પ્રમાણમાં ભળે પછી જ એ અસર આપવાનું શરુ કરી શકે છે, જેને Minimum Effective Concentration (MEC) કહેવાય છે. એવી જ રીતે દવાનું લોહીમાં પ્રમાણ અસામાન્ય રીતે વધે ત્યારે એની આડઅસરો શરૂ થતી હોય છે, જેને Minimum Toxic Concentration (MTC) કહેવાય છે. સીધોસાદો નિયમ એ કે કોઈપણ દવાએ સુરક્ષિત રહીને પોતાની અસર પહોંચાડવી હોય તો એનું લોહીમાં પ્રમાણ આ MEC અને MTC ની વચ્ચે રહેવું આવશ્યક છે. માટે, જ્યારે કોઈ દવાનો ડોઝ આપણી જાતે જ અડધો કરી દઈએ તો એ ઘણીવાર MEC પણ ક્રોસ ન કરી શકવાથી એની અસર આવતી જ નથી, જે દવા ન લીધા બરાબર છે. એ જ રીતે જલ્દી અસર થશે એમ માનીને બમણો ડોઝ લઈ લેવાથી ઘણીવાર આ દવા MTC પણ ક્રોસ કરી જતી હોવાથી એની આડઅસરોનો ભોગ બનવું પડે છે, જે અમુક સંજોગોમાં જીવલેણ પણ નીવડી શકે છે.
🏵️ દવાના બે ડોઝ વચ્ચેનું યોગ્ય અંતર જાળવવું એ પણ ઉપર દર્શાવેલ કારણસર જરૂરી છે. સામાન્ય રીતે બે ડોઝ વચ્ચેની અવધિ (સમયગાળો, frequency) ડોક્ટર પ્રિસ્ક્રિપ્શનમાં સૂચવતા હોય છે. આ અવધિ જાળવવાથી દવાનું લોહીમાં યોગ્ય પ્રમાણ જળવાઈ રહેતું હોય છે. બીજો ડોઝ વહેલો લઈ લેવાથી કે મોડો લેવાથી પણ ઉપર દર્શાવ્યા એ પરિણામો આવી શકે છે.
🏵️ ટેબલેટ ગળી જવા (swallow કરવામાં) તકલીફ પડતી હોય એટલે ઘણાં લોકો ટેબલેટને અડધી કરીને, ભૂક્કો કરીને કે પાણીમાં ઓગાળીને લેતાં હોય છે. આ ભૂલ પણ ક્યારેય ન કરવી. અનેક એવી દવાઓ છે જેને આપણાં જઠરમાં રહેલા એસિડથી બચાવવા માટે થઈને એના પર એક ખાસ કોટિંગ (enteric coating) કરેલું હોય છે. આવી દવા એસિડિક વાતાવરણ પાર કરીને આંતરડામાં ગયા પછી લોહીમાં ભળતી હોય છે. આ પ્રકારની ટેબલેટને ટુકડો/ભૂક્કો કરવાથી કે ઓગાળવાથી એ જઠરમાંના એસિડિક વાતાવરણમાં જ નકામી થઈ જતી હોય છે, એટલે એની અસર ક્યારેય મળે નહીં.
🏵️ એન્ટિબાયોટિકનો ઉપયોગ ભારત જેવા દેશમાં ચણા- મમરાની માફક થાય છે. પણ એન્ટિબાયોટિક કઈ રીતે લેવી એ બાબતે આપણે ખાસ્સા અજાણ હોઈએ છીએ. પહેલી વાત તો એ કે કોઈપણ એન્ટિબાયોટિક હંમેશા ભૂખ્યાં પેટે લેવાવી જોઈએ (જો એસિડિટી થતી હોય તો ડોક્ટરને કહીને એન્ટાસિડ પણ પ્રિસ્ક્રાઇબ કરાવવી). એન્ટિબાયોટિક કાયમ જમ્યાં પહેલાં એક કલાકે અથવા તો જમ્યાં પછી દોઢથી બે કલાક બાદ લેવાવી જોઈએ. આપણે ત્યાં જમવાના ટેબલ પર જ બેસીને જમ્યાં બાદ તુરંત દવાઓ ખાવાનું ચલણ હોય છે (વડીલો ખાસ ટાપસી પૂરે - કશુંક ખાઈને દવા લેજો). એન્ટિબાયોટિક પૂરતો આ નિયમ ટાળવો જોઈએ કેમ કે જઠરમાં ખોરાકની હાજરી અમુક દવાઓના લોહીમાં ભળવામાં અવરોધરૂપ હોય છે.
🏵️ બીજી બહુ મહત્વની વાત કે એન્ટિબાયોટિકનો સૂચવવામાં આવેલો કોર્સ કાયમ પૂર્ણ કરવો જોઈએ. આ બાબતે પણ આપણે ત્યાં ખાસ જાગૃતિ નથી. ડોક્ટરે એક અઠવાડિયાનો કોર્સ લખ્યો હોય અને બેત્રણ દિવસમાં સારું ફીલ થવા લાગે એટલે આપણે દવા લેવાનું બંધ કરી દેતાં હોઈએ છે. આ બહુ જ ખોટી આદત છે. એન્ટિબાયોટિકને કારણે શરીરમાંના જીવાણુઓનો ગ્રોથ અટકતાં આપણને રાહત અનુભવાતી હોય છે, પણ જેવી દવાને અધવચ્ચે બંધ કરીએ એટલે આ જીવાણુઓ ફરીથી પોતાની સંખ્યા વધારે અને જે તે રોગ ફરીથી દેખા દે, જેને Disease Relapse (ઉથલો) કહેવાય છે. અગાઉ અપૂરતી લીધેલી એન્ટિબાયોટિકથી આ જીવાણુઓ પ્રૂફ થઈ ગયાં હોય એટલે Antibiotic Resistance ઉદ્દભવે અને આવા સંજોગોમાં પછીથી વધુ ભારે કે ઉચ્ચ કક્ષાની એન્ટિબાયોટિક લેવી પડે.
🏵️ અત્યારની યુવાપેઢીમાં પતિ-પત્ની બંને કામ કરતા હોય અને બાળકની માંદગીમાં ઓફિસમાંથી રજા લેવાના પ્રશ્નો હોય એટલે બાળકને બને એટલું જલ્દી સાજું કરવા ડોક્ટરને દબાણ કરતાં હોય. આવા સંજોગોમાં હાયર એન્ટિબાયોટિકથી બાળક જલ્દી સાજું તો થઈ જાય, પણ બહુ નાની ઉંમરે આધુનિક અને છેલ્લી શોધાયેલી દવાઓ અપાઈ હોવાથી ભવિષ્યમાં આવું બાળક કાયમ ભારે દવાઓ પર જ જીવે - એવું બને. અકારણ ઊંચી, ભારે દવાઓ આપવા-લેવાનું વલણ ટાળવું જરૂરી છે.
ચાલો....આજે આટલું જ.
સહુને રસ પડશે તો આવા વિષયો પર વધુ વાત કરીશું. ♥️🏵️
: હિમલ પંડ્યા